Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
ભોપાલ : જર્સીના બદલે ધોતી-કુર્તો પહેરીને રમાઇ ક્રિકેટ ટુર્નામેન્ટ, સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી
સંસ્કૃત મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓની ટુર્નામેન્ટ યોજવા પાછળનું મુખ્ય કારણ સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર
30/01/2023 00:01 AM Send-Mail
દુનિયામાં ક્રિકેટને એક ખેલ તરીકે માનવામાં આવે છે પરંતુ ભારતમાં રમતશોખીનો માટે તે એક તહેવારથી ઓછું નથી. દેશમાં ક્રિકેટની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે હજારો પ્રોફેશનલ અને લાખો ગલી ક્રિકેટર દરેક શહેરમાં જોવા મળે છે. આઇપીએલની શરુઆત બાદ ક્રિકેટની લોકપ્રિયતા દેશમાં વધતી રહી છે. જેને લઇને દેશના અનેક વિસ્તારોમાં વિવિધ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે.

જેમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અનોખા પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ધોતી અને કુર્તો પહેરીને ખેલાડીઓ રમતના મેદાનમાં ઉતર્યા હતા. જાન્યુઆરી માસમાં શરુ થયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભોપાલ, ઇન્દોર, ઉજજૈન, વિદિશાગુના અને સિહોર સહિતના જિલ્લાની ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટની સૌથી ખાસ બાબત એ છે કે તેમાં રમતા તમામ ખેલાડીઓ ધોતી,કુર્તો પહેરીને મેચ રમ્યા હતા.

આ ઉપરાંત મેચ દરમ્યાન ખેલાડીઓ પરસ્પર સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરતા હતા. જયારે સમગ્ર મેચનો આંખે દેખ્યો અહેવાલ (કોમેન્ટ્રી) પણ સંસ્કૃત ભાષામાં જ આપવામાં આવી હતી. આ અજબ ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય વિશિષ્ટ હતો. ટુર્નામેન્ટના આયોજકોના જણાવ્યાનુસાર આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મોટાભાગના વિદ્યાર્થીઓ સંસ્કૃત મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરે છે. જેથી આ ટુર્નામેન્ટ યોજવાનું મુખ્ય કારણ સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર કરવાનો છે અને આ દેવભાષાને બચાવવાનો છે. આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે.