Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
હીરો ચાટનાર વ્યકિતનું મોત નીપજતું હોવાની વાતમાં કેટલી સત્યતા ?
કાર્બનથી બનેલા હીરાની કઠોરતાનું રહસ્ય તેની રાસાયણિક સંરચના છે
30/01/2023 00:01 AM Send-Mail
વર્તમાન સમયમાં પૃથ્વી પર સૌથી મોંઘી વસ્તુઓમાં હીરા (ડાયમંડ)નો પણ ખાસ સમાવેશ કરવામાં આવે છે. હીરાનો ઉપયોગ દાગીના બનાવવામંાં તેમજ બહુમૂલ્ય કાચને કાપવામાં થાય છે. વિજ્ઞાન પણ કહે છે કે, હીરો એ ધરતી પર મૌજૂદ સૌથી કઠોર પદાર્થ છે. જો કે તે કાર્બનનું જ એક સોલિડ ફોર્મ છે. આ ઉપરાંત હીરાને કાર્બનનું શુદ્વતમ રુપ પણ કહેવાય છે. આ ટ્રાન્સપરન્ટ રત્નની આરપાર આસાનીથી જોઇ શકાય છે.

વિશ્વમાં હીરાથી બનાવેલા દાગીનાનો મોહ આજે પણ ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. અગાઉ રાજા-રજવાડાં સમયે પણ મોંઘા હીરા અને તેના બનાવેલા ઘરેણાં વૈભવનું પ્રતિક ગણાતા હતા. વિશ્વના અન્ય દેશોની સાથોસાથ ભારતમાંથી પણ સમયાંતરે બહુમૂલ્ય હીરા મળી આવ્યા છે. જો કે હીરાની ઓળખ કરવાની કુનેહ ન હોય તો ઠગ વ્યકિતઓ આબાદ ઉલ્લુ બનાવીને સાવ હલકી ગુણવત્તાના હીરા કિંમતી ભાવે વેચતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, હીરાને કેરેટમાં માપવામાં આવે છે. હીરા સાથે અનેક વાતો જોડાયેલી છે. જેમાં કેટલાકનું માનવું છે કે, હીરાને ચાટનાર વ્યકિતનું મૃત્યુ નીપજે છે. પરંતુ આ વાત સત્ય નથી. કારણ કે હીરો ઝેરીલો પદાર્થ નથી. પરંતુ એ વાત સંભવ છે કે હીરો ગળી જવાના કારણે વ્યકિતને જોખમ થઇ શકે છે. કદાચ આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે. કાર્બનથી બનેલા હીરાની કઠોરતાનું રહસ્ય તેની રાસાયણિક સંરચના છે. જેમાં કાર્બનના પરમાણુ પરસ્પર ખૂબ મજબૂતાઇથી એકમેક સાથે જોડાયેલા હોય છે. જેમાં કાર્બનનો એક પરમાણુ કાર્બનના અન્ય ચાર પરમાણુ સાથે જોડાયેલો હોય છે અને સમચતુષ્ફલક ભૌમિતિક સંરચનાનું નિર્માણ કરે છે. હીરાને કેરેટમાં માપવામાં આવે છે. એક કેરેટ એટલે ર૦૦ મિલિગ્રામની બરાબર થાય છે. જો કે કોઇ કહે કે તે દાંતોથી ચાવીને હીરાને તોડી શકે છે તો આ વાત અશકય છે.