Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
જૂનિયર કલાર્કનું પેપર ફૂટતાં ૯ લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં
પેપર લીકમાં બિહાર અને ઓરિસ્સાનું ગુજરાત કનેકશન : ૧૫ આરોપીઓની કરાયેલી ધરપકડ : હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ લીક થયું પેપર : ૪૦થી વધુ ઉમેદવારો સુધી આ પેપર પહોંચ્યું હોવાનો સામે આવ્યું
30/01/2023 00:01 AM Send-Mail
બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ પોલીસ બંદોબસ્તના આદેશ
આજે પરીક્ષા રદ થતા ઉમેદવારોએ ઉગ્ર રીતે વિરોધ નોંધાવ્યો હતો. હવે સરકાર દ્વારા બંદોબસ્તના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો ઉપર અને પરિવહન સ્થળો પર વધારાનો બંદોબસ્ત ગોઠવાશે. આ ઉપરાંત ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે તેમજ વધારાની પોલીસ ફોર્સ બોર્ડની કચેરીએ ગોઠવવામાં આવ્યો. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ પોલીસ બંદોબસ્તની માગણી કરવામાં આવી હતી. આ માગણીના પગલે કર્મયોગી ભવનના મુખ્ય દરવાજા અન ેકચેરીમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ
જુનિયર કલાર્કની પરીક્ષા રદ થવા મામલે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ માટે રાજય સરકારે ઉચ્ચ સ્તરી કમિટીની રચના કરી છે. આ અંગે પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને એટીએસ તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

વડોદરાના ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ઘિએ પેપરનો ૭ થી ૧૦ લાખમાં સોદો કર્યો હતો
વડોદરા સ્ટેકવાઇઝ ટેકનોલોજીના સંચાલક ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ઘિ ચૌધરીએ આ જુનિયર કલાર્કના પેપરનો રૂપિયા સાતથી દસ લાખમાં સોદો કર્યો હોવાનો ખુલાસો બહાર આવ્યો છે. ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ઘિ છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી વડોદરામાં સ્થાયી થયા છે અને પ્રમુખરાજ કોમ્પલેક્ષમાં છેલ્લા ચાર વર્ષથી કલાસીસ ચલાવતા હતા. આ અગાઉથી પેલેસ રોડ પર આવેલા એક કોમ્પ્લેકસમાં કલાસ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. ભાસ્કર ચૌધરી મૂળ કલકત્તાનો વતની છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે. મળતી માહિતી મુજબ ભાસ્કર ચૌધરી અગાઉ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રિન્સિપાલ રિસર્ચ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ લખનૌ ખાતે ૨૦૦૫માં અભ્યાસ કર્યો છે. આ અગાઉ વર્ષ ૧૯૯૩માં તેણે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં મેટલરજી ડિપાર્ટમેન્ટમાં પણ અભ્યાસ કર્યો હતો.

જુનિયર કલાર્કના હજારો પરીક્ષાર્થીઓ રઝળી પડયા
રાજયમાં જુનિયર કલાર્કની પરીક્ષાની તડામાર તૈયારીઓ વચ્ચે એકાએક પેપર લીક થવાનો અહેવાલ આવતા જ રાજયભરમાં હોબાળો મચી ગયો હતો. પરીક્ષા આયોજીત થાય તેના ગણતરીના કલાકો પહેલાં જ પરીક્ષા રદ કર્યાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેના લીધે મોટાભાગના પરીક્ષાર્થીઓ રઝળી પડયા હતા. લાખો ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. જેમાં મોટાભાગના પરીક્ષાર્થીઓ બહારગામના હતા તેઓ વહેલી સવારે પરીક્ષા આપવા માટે પોતાના ઘરેથી બસ પકડીને નીકળ્યા હતા. પરીક્ષા રદના સમાચારથી પરીક્ષાર્થીઓ નિરાશ થઇ ગયા હતા. તો કેટલાક રોષે પણ ભરાયા હતા.

રાજયમાં વધુ એક વખત જુનિયર કલાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા ૯ લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઇ છે. જેઓ ૧૧૮૧ ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ૩ જુનિયર કલાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. દરમિયાન ગુજરાત એટીએસએ આ મામલે ૧૦થી ૧૫ની અટક કરી છે અને રાજય બહારની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીંક થયાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ પેપર લીકમાં બિહાર-ઓરિસ્સા અને ગુજરાતનું કનેકશન બહાર આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યુ હોવાનું એટીએસને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત એટીએસએ મોડી રાત્રે બે વાગે ઓેપરેશન પાર પાડયુુ હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખ્સ તથા કેતન બારોટ સહિત ૧૫ વ્યકિતઓની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજયના છે. જયારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ઘિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે. આ બંને ઉપરાંત અન્ય લોકોને પણ એટીએસ વહેલી સવારે ચાર વાગે અમદાવાદ લઇને રવાના થઇ હતી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ મુખ્યમંત્રીના નિવાસસ્થાને રવાના થયા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને ચેરમેન બેઠક કરશે અને આ બેઠક દરમિયાન પેપર કેવી રીતે ફૂટયું તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત નવી તારીખ કયારે જાહેર કરવી તે મામલે પણ ચર્ચા થશે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ લીક થયું છે. જેમાં વડોદરા સ્ટેકવાઇઝ ટેકનોલોજીના સંચાલક ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ઘિ ચૌધરીએ આ જુનિયર કલાર્કના પેપરનો રૂપિયા સાતથી દસ લાખમાં સોદો કર્યો હોવાનો ખુલાસો બહાર આવ્યો છે. અને વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ પેપર સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યા હતા. એક માહિતી મુજબ પોલીસ તપાસમાં ૪૦થી વધુ ઉમેદવારો સુધી આ પેપર પહોંચ્યું હોવાનો સામે આવ્યું છે. જેના કારણે રાજયમાં પરીક્ષા આપનારા ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો.