ગુજરાતમાં બીજા દિવસે પણ કરા સાથે કમોસમી વરસાદી કહેર
દાહોદ - અંબાજીમાં કરા સાથે માવઠું, તો પાટણના સિદ્ઘપુરમાં રસ્તામાં પાણી ભરાયા
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બીજા દિવસે પણ રાજયના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. દાહોદ અને અંબાજીમા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો પાટણમાં જોરદાર વરસાદી ઝાપટાના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર વરસતા ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જેના કારણે ખેડૂતો ચિતાતુર બન્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર જોવા મળ્યો હતો. આજે અંબાજી અને આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં ગતિરાત્રીથી જ વરસાદ શરૂ થયો હતો. કડકડતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતીપાકોને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાટણના સિદ્ઘપુરમાં આજે બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. સિદ્ઘપુરમાં બપોરના સમયે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે થોડી જ મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
દાહોદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ લીમખેડા, ધાનપુર અને ઝાલોદ પંથકનાકેટલાક ગામોમાં વરસાદ સાથે કરા પડતા આશ્ચર્ય થયું હતું. ઝાલોદ તાલુકાના મીરાખેડી પંથકમાં કરા સાથે વરસાદી ઝાપટું ૧૦ મિનિટ સુધી ચાલ્યું હતું. કરા સાથે વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ધાનપુર તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવે હતો. અહીં પણ કરા સાથે વરસાદનું ઝાપટું પડયું હતું. લીમખેડા પંથરમાં પણ બપોરના સમયે વરસાદ પડયો હતો. તેમાં કેટલાક ગામોમાં કરા પડયા હોવાના અહેવાલ પણ મળ્યા હતા.