નડિયાદ : આંશિક ચૂકવણી વ્યાજબી ન હોવાથી કલેઇમના રૂ. ર.પ૩ લાખ ચૂકવવા વીમા કંપનીને હુકમ
ગુલેલીયર બેરી સિન્ડ્રોમ બિમારીની સારવારના કુલ ૩.૭૭ લાખ ખર્ચના દાવા સામે વીમા કંપનીએ રૂ. ૧.ર૩ લાખ જ ચૂકવ્યા હતા
મેડીકલેઇમ વીમા પોલીસી લેનાર પૈકી કેટલાક લોકોને વાસ્તવમાં હોસ્પિટલમાં દાખલ થઇને કરાવેલ સારવાર ખર્ચનો પૂરેપૂરો કલેઇમ વીમા કંપની ચૂકવતી ન હોવાની ફરિયાદ સાંભળવા મળે છે. નડિયાદના પોલિસીધારકને પણ હોસ્પિટલમાં દાખલ થઇને કરાવેલ સારવાર ખર્ચના રૂ. ૩.૭૭ લાખના કલેઇમ સામે વીમા કંપનીએ માત્ર રૂ. ૧.ર૩ લાખ જ ચૂકવ્યા હતા. જયારે બાકીની રકમનો ખુલાસો કરેલ નહતો. આથી પોલિસીધારકે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નડિયાદમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજો, પુરાવા અને દલીલો ધ્યાને લઇને વીમા કંપનીએ કરેલ આંશિક ચૂકવણી યોગ્ય ન હોવાનું જણાવીને કલેઇમના પૂરા નાણાં ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.
કેસની મળતી વિગતોમાં નડિયાદના દિનેશભાઇ મહેશભાઇ પટેલ ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની નડિયાદ શાખામાંથી છેલ્લા ૧પ વર્ષની મેડીકલેઇમ વીમા પોલિસી ઉતરાવે છે. જેમાં તેમનો અને તેમના પત્નીનો રૂ. ૩-૩ લાખનો મેડીકલેઇમ લીધેલ છે. દરમ્યાન ગત જાન્યુ.ર૦રરમાં તેમના પત્ની જયોતિબેનને પીઠમાં દુ:ખાવો અને મણકાંમાં દબાણ થતા તેમને ન્યુરોફીજીશીયન તબીબને બતાવ્યું હતું.
જયાં તબીબે એમઆરઆઇ રિપોર્ટના આધારે તબીબે ચકાસણી કરતા જયોતિબેનને ગુંલેલીયર બેરી સિન્ડ્રોમનો પ્રોબ્લેમ હોવાથી હોસ્પિટલમાં દાખલ થઇને સારવાર લેવા જણાવ્યું હતું. જેથી જયોતિબેને સાત દિવસ સુધી ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઇને સારવાર મેળવી હતી. જેમનો કુલ સારવાર ખર્ચ ૩,૭૭,૮૭૯ થયો હતો. જો કે જયોતિબેનને હોસ્પિટલાઇઝ કરવા સમયે દિનેશભાઇએ વીમા કંપનીને જાણ કરી હતી અને સારવાર પૂરી થયા બાદ કુલ ખર્ચના બીલો સહિતના કાગળો પણ વીમા કંપનીમાં મોકલી આપ્યા હતા.
દરમ્યાન વીમા કંપનીએ કલેઇમની કુલ રકમના બદલે રુ.૧,ર૩,૬૮૦ દિનેશભાઇને જાણ કર્યા વગર તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જયાં બાકીની રકમ અંગે વીમા કંપનીએ કોઇ ખુલાસો કર્યો ન હતો. જે અંગે વારંવાર રજૂઆત બાદ અંતે દિનેશભાઇએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી.
કોર્ટમાં વીમા કંપની તરફેથી લેખિત જવાબ રજૂ કરાયો હતો કે, ફરિયાદ કાયદેસરની નથી, ફરિયાદીને પક્ષકારોની ખામીનો બાધ અને સમયમર્યાદાનો બાધ નડે છે. વીમા કંપનીએ ચૂકવેલ રકમ યોગ્ય છે અને બાકીની રકમ ચૂકવવા વીમા કંપની જવાબદાર નથી.
કોર્ટે નોંધ્યું હતું કે, વીમા કંપનીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા વિના કે તેમને સાંભળ્યા વિના ખાતામાં રકમ જમા કરાવી હતી. આથી ગ્રાહક તરીકેની સેવા આપવામાં વીમા કંપનીએ ખામી દર્શાવેલ છે. વધુમાં ફરિયાદીને કલેઇમની બાકીની રકમ મળવાપાત્ર છે. આ કેસમાં કોર્ટે હુકમ કર્યો હતો કે, ફરિયાદીને રૂ. ર,પ૩,૧૭૭ અરજી તારીખથી ૭ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ફરિયાદ ખર્ચના રૂ.૧ હજાર પણ ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.