પાકિસ્તાન : મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટમાં ૪૬ના મોત, ૧૫૮થી વધુ ઘાયલ
-તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ આ હૂમલાની જવાબદારી લીધી -વિસ્ફોટ ખૂબ જ તાકાતવર હતો અને તેનો અવાજ ૨ કિમી દૂર સુધી સંભળાયો -ધરાશાયી મસ્જિદના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા
પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ૪૬ પોલીસકર્મીઓના મોત અને ૧૫૮થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઇ ગયો. વિસ્ફોટ સમયે ઘટનાસ્થળે ૫૦૦થી વધુ લોકો હાજર હતા. પેશાવરમાં પોલીસ લાઇન્સ પાસે આવેલી મસ્જિદમાં જોહરની નમાઝ બાદ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ અરાજકતાનો માહોલ જોવા મળી રહયો છે.
પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, વિસ્ફોટ સોમવારે બપોરે પેશાવરના પોલીસ લાઇન વિસ્તારમાં થયો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૫૮થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાં ૯૦ લોકોની સ્થિતિ ગંભીર છે. દરમિયાન, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઇમારતનો એક ભાગ ધરાશાયી થઇ ગયો અને ઘણા લોકો તેની નીચે ફસાયા હોવાની આશંકા છે. આ વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યો છે અને માત્ર એમ્બ્યુલન્સને જ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ વિસ્ફોટ ખૂબ જ તાકાતવર હતો અને તેનો અવાજ ૨ કિમી દૂર સુધી સંભળાયો હતો. પોલીસ લાઇનમાં રહેલા લોકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ પછી ધૂળ અને ધુમાડા જોવા મળ્યા હતા. તે પછી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.
જયારે, ઇમરામ ખાને આતંકવાદી આત્મઘાતી હૂમલાની નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યકત કરી હતી. ઇમરાન ખાને કહ્યું કે તે પેશાવરની પોલીસ લાઇન મસ્જિદમાં જોહરની નમાઝ દરમિયાન થયેલા આતંકવાદી આત્મઘાતી હૂમલાની નિંદા કરે છે. મારી પ્રાર્થના અને સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. આતંકવાદના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે આપણે આપણી ગુપ્તચર માહિતી એકત્રીકરણમાં સુધારો કરીએ અને આપણા પોલીસ દળોને યોગ્ય રીતે સજજ કરીએ તે આવશ્યક છે.
જિયો ન્યુઝના અહેવાલ મુજબ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ આ હૂમલાની જવાબદારી લીધી છે. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે, નમાઝના સમયે મસ્જિદમાં લગભગ ૫૦૦થી લોકો હાજર હતા. આત્મઘાતી હૂમલાખોર વચ્ચે એક લાઇનમાં હાજર હતો. તે પોલીસ લાઇનમાં કેવી રીતે પહોંચ્યો તે સ્પષ્ટ થઇ શકયું નથી, કારણકે અહીં અંદર જવા માટે ગેટ પાસ બતાવવો પડે છે.
આ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન (ટીટીપી)પાકિસ્તાનનું ખાસ પ્રભુત્વ છે અને ભૂતકાળમાં પણ આ જ સંગઠને અહીં હૂમલો કરવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર જોઇ શકાય છે. જેમાં ઘાયલોને હોસ્પિટલ લઇ જતા જોઇ શકાય છે.
બધા જ ઘાયલ લોકોની સારવાર માટે પેશાવરના લેડી હાર્ડિગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી આવેલા બયાનમાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય લોકો જેટલું બની શકે, તેટલું જલ્દી બલ્ડ ડોનેટ કરવા હોસ્પિટલ પહોંચે.આ દરમિયાન મિલિટ્રીના ડોકટરોની એક ટીમ પણ આ હોસ્પિટલ પહોંચી ગઇ હતી.