૨૦૧૩ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત અન્ય છ નિર્દોષ જાહેર
આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા, ગાંધીનગર કોર્ટ આજે સજા ફરમાવશે
આસારામ સામે દુષ્કર્મ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો છે. ૨૦૧૩ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર થયાં છે. તે સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ ૭ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. કોર્ટ આવતીકાલે સજાનું એલાન કરશે.
ગાંધીનગર કોર્ટમાં દુષ્કર્મ કેસ મામલે ગત ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓના નિવેદનો લેવાયા હતાં. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી. આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
૨૦૦૧માં સુરતની બે યુવતીઓએ આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. ૬ ઓક્ટોબર, ૨૦૧૩ના દિવસે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના વર્ષ ૨૦૦૧માં બની હતી. સરકાર વતી ૫૫ સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.આ ઘટનામાં કુલ ૮ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.