ગાંધી નિર્વાણદિનને તંત્ર વિસર્યું ગાંધીવાદીઓએ પૂ. બાપુની પ્રતિમા સ્વચ્છ કરી
નિયમિત પ્રતિમાની સફાઈ કરવાની માંગ
સ્વચ્છતાના આગ્રહી પૂ. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને નડિયાદમાં સરદાર ભવન પાસેના ચાર રસ્તા પર આવેલ ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમા પર ધૂળના થર જામેલા જોતા ગાંધીવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આ પ્રતિમાને સ્વચ્છ કરી ફૂલહાર કર્યા હતાં. તેઓ દ્વારા પાલિકા મહિનામાં એકાદવાર આ પ્રતિમાને સાફ કરે એવી માંગ ઉઠી છે.
નડિયાદ શહેરમાં સરદાર પટેલ ભવન નજીક જ ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમા છે ત્યાં મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે કેટલાક ગાંધીવાદીઓ શ્રદ્ઘાંજલિ અર્પણ કરવા આવ્યા ત્યારે પ્રતિમા પર ધૂળના થર જામેલાં જોયા હતા. જે જોઈ ગાંધીવાદીઓ નિરાશ બન્યા હતા. ત્યારબાદ એક ક્ષણ વિચાર્યા વગર જ ગાંધી વિચારકોએ જાતે રૂમાલ વડે પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધી વિચારક નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના નરેન્દ્ર નકુમ, ઘનશ્યામ કા. પટેલ, સામાજિક કાર્યકર મનુભાઈ રાઠોડ, કાન્તિલાલ શર્મા, રમેશભાઈ આહિર વગેરે હાજર રહ્યા હતા.
આ ગાંધીજીની પ્રતિમા ફરતે આવેલ રેલીંગો છેલ્લાં કેટલાય માસથી તૂટેલી હાલતમાં છે. દિવાળી પહેલાં બીજી ઓક્ટોબરે તુરંત યુદ્ઘના ધોરણે રેલીંગ રીપેર કરાઈ હતી. આ કામગીરીમાં પણ વેઠ ઉતારાઈ હોવાનું જાગૃત લોકો જણાવી રહ્યા છે. નગરમાં જાહેર રસ્તાઓ પર મૂકવામાં આવેલી પ્રતિમાની પાલિકાને સાચવણી કરવાની હોય છે. તેમ છતાં નડિયાદમાં પ્રતિમાઓની જાળવણીનો સતત અભાવ જોવા મળે છે.