કપડવંજના ચીખલોડ નજીક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ બે કન્ટેનરમાંથી માલસામાન ચોરાતા ફરિયાદ
એક કન્ટેનરમાંથી ૧૨ બોક્સ અને બીજામાંથી કાપડની ૧૦ ગાંસડીઓ ચોરાઈ
કપડવંજના ચીખલોડ નજીક હાઈવે પરની હોટલમાં પાર્ક કરેલ બે કન્ટેનરમાંથી તસ્કરોએ રૂા. ૪૯ હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના વતની સાકીર હાજી મહેમુદ મુસ્લિમ પોતે બોમ્બે રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે છેલ્લા એકાદ વર્ષથી નોકરી કરે છે. ગત ૨૮મી જાન્યુઆરીના રોજ તેઓ કન્ટેનર લઈને જીઆઈડીસી સુરત ખાતેથી જીવરાજ કંપનીની ચાય પત્તી ભરી દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે રવાના થયા હતા. દરમ્યાન મોડી રાત્રે તેઓ ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન લાડવેલ ચોકડીથી થોડે દૂર ઢાબા રાજસ્થાન નામની હોટલ ખાતે પહોંચ્યા હતા અને સાકીરભાઈને ઉંઘ આવતી હોવાથી તેઓ આ હાઈવેની હોટલના પાર્કિંગમાં પોતાનું વાહન પાર્ક કરી કેબિનમાં સૂઈ ગયા હતા.
બીજા દિવસે સવારે અન્ય વ્યક્તિ દ્વારા કન્ટેનર ચાલક સાકીરભાઈને માલૂમ પડ્યું હતું કે પોતાના કન્ટેનરનો પાછળનો શટરનો દરવાજો ખૂલ્લો છે. સાકીરભાઈ અંદર જોઈ તપાસ કરતા લગભગ ૧૨ જેટલા બોક્સ ઓછા જણાયા હતા. જેની કિંમત આશરે ૧૪ હજાર જેટલી છે. તો વળી અહીંયા પાર્ક કરેલી અન્ય કન્ટેનર ટ્રકમાં પણ ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાંથી કાપડની લગભગ દશેક ગાસડીઓ ચોરી થઈ હતી. જેની કિંમત આશરે રૂા. ૩૫ હજાર હતી. આમ કુલ ૪૯ હજારના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી પલાયન થયા છે. આ સમગ્ર બનાવ સંદર્ભ ટ્રકચાલક સાકીરભાઈ મુસ્લીમે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.