નડિયાદ અને કપડવંજના તોરણા નજીક અકસ્માતમાં બેનાં મોત
નડિયાદમાં મોટર સાયકલના ચાલકે કાબૂ ગૂમાવતા ડીવાઈડર સાથે અથડાતાં ચાલકનું મોત તો કપડવંજના તોરણા ગામ નજીક નોકરીએથી પરત ફરતા યુવાનના મોટર સાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત નિપજ્યું છે. આ બંને બનાવો સંદર્ભ હદ ધરાવતા પોલીસ મથકે ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર નડિયાદ પશ્ચિમમાં ગોપાલભાઈ લહેરુલાલ પ્રજાપતિના ૧૯ વર્ષિય સાળા રાકેશભાઈ શંકરલાલ પ્રજાપતિ ગોપાલભાઈનું મોટર સાયકલ નં. જીજે-૧૮, સીએસ-૯૮૯૫ ચલાવીને ગતરોજ ૧૧ વાગ્યાની આસપાસ શહેરના વાણીયાવડથી કિડની હોસ્પિટલ બ્રિજ થઈ સમતા પાર્ટી પ્લોટ પાસે જતા હતા. આ દરમ્યાન પશ્ચિમ વિસ્તારમાં રાકેશભાઈએ આ મોટર સાયકલ પરનો કાબૂ ગૂમાવતા મોટર સાયકલ સાથે તેઓ રોડના ડિવાઈડરની દીવાલ સાથે અથડાયા હતા. જેના કારણે તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘવાયેલા રાકેશભાઈને તુરંત નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભ ગોપાલભાઈ પ્રજાપતિએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે બીજા બનાવમાં કપડવંજ તાલુકાના બેટાવાળા સીમ પાસે રહેતા ધર્મશકુમાર લાલસિંહ સોલંકી ગતરોજ પોતાનું મોટર સાયકલ નં. જીજે-૦૭, ઈજે-૧૨૭૫ ચલાવી ગતરોજ સમી સાંજે પોતાની નોકરીએથી પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન કપડવંજ કઠલાલ રોડ ઉપર તોરણા ગામ નજીક કોઈ અજાણ્યા વાહનચાલકે ધર્મશભાઈની મોટર સાયકલને ટક્કર મારતાં મોટર સાયકલ ચાલક ધર્મશભાઈનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભ મરણ જનારના પત્ની અરૂણાબેને કપડવંજ ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરી છે.