આણંદના વિદ્યા ડેરી રોડ પર જિલ્લા સિવિલ હોસ્પિટલ બનાવવાની જાહેરાત : ટૂંક સમયમાં ભૂમિપૂજન
વેટરનરી કોલેજના જર્જરિત કવાર્ટસ દૂર કરીને અંદાજે ૩૦૦ ગુંઠામાં બનશે અદ્યતન સિવિલ હોસ્પિટલ : ર૪૦ બેડની આઇસીયુ સહિતની સુવિધા, ૪૦ બેડનું આયુર્વદિક સંકુલ પણ બનશે
ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે ઝડપી બાંધકામ હાથ ધરાશે : યોગેશભાઇ પટેલ-ધારાસભ્ય
આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલ સાથે જિલ્લા સિવિલ હોસ્પિટલ બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં સિવિલ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે અને એક વર્ષમાં જિલ્લા સિવિલ હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ કરીને પ્રજા આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવાના પ્રયત્નો હાથ ધરાશે. ઉપરાંત તેઓએ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.
ર૭ વર્ષ બાદ આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ બનાવવા માટેનું સ્થળ અંતે ફાઇનલ થયું છે. છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલ માટેની જગ્યાઓની સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી અને ભૂમિપૂજન પણ કરાયા હતા. પરંતુ ત્યારબાદ સિવિલના સ્થળમાં વારંવાર ફેરબદલ થતી રહી હતી. પરંતુ હવે રાજય સરકાર દ્વારા આણંદના વિદ્યાડેરી રોડ પર આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ સામેના વેટરનરી કોલેજના જર્જરિત કવાર્ટસ સહિતની અંદાજે ૩૦ હજાર ચોરસ મીટર જગ્યા જિલ્લાની સિવિલ હોસ્પિટલ માટે ફાળવવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કર્યા બાદ બાંધકામ આરંભાશે. અંદાજે ૧૦૦ કરોડથી વધુના ખર્ચ ર૪૦ બેડની આઇસીયુ સહિતની સુવિધાવાળી હોસ્પિટલ બનાવાશે. જેમાં ૪૦ બેડનું આયુર્વદિક સંકુલ પણ બનશે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આણંદની ઉપરોકત જગ્યાએ સિવિલની મંજૂરી આપી દેતા પ્રજામાં આનંદની લાગણી પ્રસરશે. સિવિલની સ્થળ પસંદગી તથા તેની મંજૂરી ઝડપથી મળે તે માટે સાંસદ મિતેષભાઇ પટેલ, નાયબ દંડક રમણભાઇ સોલંકી, ધારાસભ્ય યોગેશભાઇ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ વગેરેની ટીમ દ્વારા સરકારને રજૂઆત કરતા આખરે ગુજરાત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય યુનિ. કેમ્પસની જમીન ઉપર પસંદગી ઉતારીને નિર્ણય લેવામાં આવ્યો છે.