ઉત્તરસંડા ગામે ગાદલા તકીયાની દુકાનમાં આગ લાગતાં ગેસ સિલિન્ડર ફાટ્યો
શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ગેસનો સિલિન્ડર ઝપટમાં આવી જતાં જોરદાર ધડાકો થયો
નડિયાદ નજીક આવેલ ઉત્તરસંડા ગામે શોર્ટ સર્કિટના કારણે ગાદલા તકીયાની દુકાનમા આગ લાગતા અંદર રહેલો ગેસનો સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીભર્યો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.
મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે બસ સ્ટેન્ડ પાસે સંતરામ કોટન વર્કસ નામની દુકાન આવેલી છે. અહીંયા રૃમાંથી ગાદલા તકીયા બનાવવામા આવે છે.મંગળવારે સવારે કોઈ કારણોસર દુકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલ એક ગેસ સિલિન્ડર આવી જતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું.
આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સતત પાણીનો છંટકાવ કરી મહામહેનતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હોવાની વાત સામે આવી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે.