આંબેખડાની સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર યુવાનને ૨૦ વર્ષની સખ્ત સજા
સરકારી વકીલ જે. એસ. ગઢવીની દલિલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને સજાનો હુકમ કરતા છઠ્ઠા એડીશ્નલ સેશન્સ જજ, ખંભાતના એમ. એન. શેખ : કલમસર અને ડાલી ગામની સીમમાં સગીરાને રાખીને સંજય પરમારે અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ
કઈ-કઈ કલમમાં કેટલી સજા કરાઈ
-ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬માં આરોપી સંજયભાઈ ઉર્ફે અલ્લોને નિર્દોષ ઠરાવીને છોડી મુકવામાં આવ્યો હતો
-પોક્સો એક્ટની કલમ ૬માં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૫૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા
-પોકસો એકટની કલમ ૪માં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૫ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા
-પોક્સો એક્ટમાં આરોપીને તકશીરવાર ઠેરવીને સજા અને દંડ કરવામાં આવ્યો હોય, ઈપીકો કલમ ૩૭૬ તેમજ પોક્સો એક્ટની કલમ ૧૮માં અલગથી સજા કે દંડ કરવામાં આવ્યો નહોતો.
સગીરાને વળતર પેટે ૪ લાખ રૂપિયા ચુકવવા પણ હુકમ
૧૬ વર્ષ અને ૮ માસની ઉંમર ધરાવતી સગીરાને સને ૨૦૧૮માં લગ્ન કરવાની લાલચ આપીને ભગાડીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને જાતીય અત્યાચાર ગુજારનાર યુવાનને ખંભાતની સેશન્સ કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી હતી. સાથે સાથે સગીરાને વળતર પેટે ધી વીક્ટીમ કંમ્પેનસેશન સ્કીમ હેઠળ ચાર લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા પણ કોર્ટે પોતાના ચુકાદામાં નિર્દેશ કર્યો હતો. ચુકાદાની એક નકલ ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી, આણંદને મોકલી આપવા પણ હુકમમાં જણાવ્યું હતુ.
ખંભાત તાલુકાના આંબેખડા ગામે રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને સગીરાને ભગાડી જઈને તેણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારનાર યુવાનને ખંભાતની છઠ્ઠા એડીશ્નલ સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને વીસ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતો સંજયભાઈ ઉર્ફે અલ્લો ઈશ્વરભાઈ પરમાર (ઉ. વ. ૧૯)ગત ૧૨-૯-૧૮ના રોજ સવારના ૧૧ વાગ્યાના સુમારે આંબેખડા ગામેથી ૧૬ વર્ષ અને ૮ માસની ઉંમર ધરાવતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને કલમસર ગામની સીમમાં લઈ ગયો હતો જ્યાં છએક દિવસ સુધી રહ્યા હતા અને સગીરા ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ. ત્યાંથી તેઓ ડાલી ગામની સીમમાં આવીને રોકાયા હતા અને ત્યાં પણ અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ અંગે ખંભાત રૂરલ પોલીસે પોક્સો એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ગત ૨૧-૯-૧૮ના રોજ સંજયભાઈ ઉર્ફે અલ્લાની ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ પુર્ણ કરીને તેના વિરૂદ્ઘ zપુરાવાઓ મળી આવતાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતુ.
આ કેસ ખંભાતની છઠ્ઠા અડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત રહેલા સરકારી વકીલ જે. એસ. ગઢવીએ દલિલો કરતા જણાવ્યું હતુ કે, સગીરાને લગ્નની લાલચ આપીને જુદી-જુદી જગ્યાએ લઈ જઈને તેણી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. જે ભોગ બનનારની જુબાની તેમજ રજૂ થયેલા મેડિકલ સર્ટીફીકેટ પરથી ફલિત થાય છે. સમાજમાં આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જઈ રહ્યું છે ત્યારે દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા અપીલ કરી હતી. તેઓએ ૯ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૨૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.
જજ એમ. એન. શેખે સરકારી વકીલની દલિલોને ગ્રાહ્ય રાખીને આરોપી સંજયભાઈ ઉર્ફે અલ્લો ઈશ્વરભાઈ પરમારને કુલ વીસ વર્ષની સખ્ત કેદની સજા અને કુલ ૭૫ હજારનો દંડ, જો દંડ ના ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.