આણંદ : પાનનો ગલ્લો ચલાવનાર વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કરેલો આપઘાત
સવારે માલગાડી ટ્રેન નીચે ગળું જ મૂકી દેતા કપાઈ જવાથી મોત : ત્રણ વ્યાજખોરો ૧૦ ટકાથી ઉંચુ વ્યાજ વસુલીને ધાકધમકીઓ આપતા આખરે વેપારીએ જીવન ટુંકાવ્યું
ત્રણ વ્યાજખોરો મહિને દશ ટકા વ્યાજ વસૂલતા હતા
શબનમ પાન સેન્ટર નામનો પાનનો ગલ્લો ચલાવીને જીવન ગુજરાન ચલાવતા શોકતમીંયા મલેકે પૈસાની જરૂરત પડતા સને ૨૦૧૫માં ગોવિંદકાકા, જગદીશભાઈ રેલ્વેવાળા (નાની ખોડીયાર)પાસેથી સને ૨૦૧૬માં ૧૫ હજાર રૂપિયા લીધા હતા. જેનું દર મહિને ૧૦ ટકા લેખે ૧૫૦૦ રૂપિયા વ્યાજ વસુલતા હતા. નડિયાદના જગદીશભાઈ સોની સોની જ્વેલર્સવાળા, વાસણવાળા પાસેથી સને ૨૦૧૭માં ૧૦ હજાર વ્યાજે લીધા હતા. જેનું દર મહિને દશ ટકા લેખે ૧૦૦૦ વ્યાજ વસુલતા હતા. જ્યારે પરીખભુવન નજીક આવેલા બારવીંઘામાં રહેતા હસમુખભાઈ પાસેથી ૨૦૧૫માં ૨૦ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જેનું દર મહિને દશ ટકા લેખે ૨ હજાર વ્યાજ વસુલતા હતા. આમ, દર મહિને વ્યાજપેટે જ ૩૫૦૦ રૂપિયા ચુકવવા પડતા હતા. જેને લઈને કંટાળી જઈ આખરે શોકતમીંયાએ આપઘાત કરી લીધો હતો. શોકતમીંયાને એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન થઈ ગયા છે. જ્યારે પુત્ર હજી સુધી કુંવારો હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં રહેતા અને ગોધરા લાઈન પાસે આવેલી નાની ખાટકીવાડની ફાટક પાસે પાનનો ગલ્લો ચલાવતા વેપારીએ આજે સવારના સુમારે ત્રણ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને માલગાડી નીચે માથુ મૂકીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જો કે આણંદ રેલ્વે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાધરીયા વિસ્તારમાં આવેલી શબનમ સોસાયટીમાં રહેતા અને રેલ્વે ફાટક પાસે શબનમ પાન સેન્ટર નામનો પાનનો ગલ્લો ચલાવતા શોકતમીંયા સીકંદરમીંયા મલેક (ઉ. વ. ૫૭)એ આજે સવારના સુમારે ૭.૪૦ મિનિટ પહેલા ગોધરા રેલ્વે લાઈન ઉપર આવેલી માલગાડી નીચે ગળુ મુકી દીધું હતુ. જેને લઈને ગળુ કપાઈ જતા તેમનું સ્થળ પર જ મોત થયું હતુ. ઘટનાની જાણ રેલ્વે પોલીસ અને પરિવારના સભ્યોને થતાં તેઓ આવી પહોંચ્યા હતા અને લાશનો કબ્જો લઈને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેમણે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન શોકતમીંયા મલેકે ત્રણ પાનની લખેલી એક સ્યુસાઈટ નોટ મળી હતી જેમાં ત્રણ વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધેલા પૈસાની વિગતો લખી હતી અને તેઓ દ્વારા દશ ટકા કરતા ઉંચુ વ્યાજ વસુલીને તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોય સ્યુસાઈટ કરું છુ તેમ લખેલું મળી આવ્યું હતુ. જો કે ચિઠ્ઠી લોહીવાળી થઈ જવા પામી છે જેને લઈને અનેક રહસ્યો સર્જાયા છે. ચીઠ્ઠી ક્યાંથી અને કેવી રીતે મળી તે અંગે રેલ્વે પોલીસ કોઈ ફોડ પાડીને કહેવા તૈયાર નથી.
જો શોકતમીંયાએ જ સ્યુસાઈટ નોટ લખી હોય તો પછી તે લોહીવાળી કેવી રીતે થઈ ? ચિઠ્ઠી ઉપર લોહીના ડાઘ કોના છે ? જેવા કેટલાય પ્રશ્નો સર્જાવા પામ્યા છે. જો કે આ અંગે મૃતકના પરિવારજનો દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નહીં કરવાનું જણાવી રહ્યા છે જેને લઈને પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.