ખાત્રજ ચોકડીએ આવેલા ટ્રેક્ટરના ડીલરે રૂા. ૧૯.૫૫ લાખની છેતરપિંડી કરતા ફરિયાદ
જે ખેડૂતોના નામે ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધી તે ટ્રેક્ટર આરટીઓમાં ન નોંધાવી અન્યને વેચી દઈને કરેલી ઠગાઈ
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડીએ આવેલા અનમોલ ટ્રેકટર્સના પ્રોપ્રાઇટરએ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લીમીટેડમાંથી ચાર ટ્રેક્ટરો લોન પર ખેડૂતોને અપાવી રૃપિયા ૧૯.૫૫ લાખ મેળવી લીધા બાદ જે ટ્રેક્ટર પર લોન પડાવી હતી તે ટ્રેક્ટરો અન્ય કોઈને વેચી દઈએ ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી કરી હોવા બાબતની ફરિયાદ મહેમદાવાદ પોલીસમાં નોંધાઈ છે.
જીતેન્દ્રભાઇ નટવરલાલ રોહીતએ મહેમદાવાદ પોલીસમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે સને, ૨૦૧૯ તથા ૨૦૨૦ ની સાલમાં અનમોલ ટ્રેકટર્સ ખાત્રજ ચોકડીના પ્રોપ્રાઇટર મહેબુબખાન ફરીદખાન પઠાણે ટ્રેકટરની લોન માટે ચાર અલગ અલગ ખેડૂતોને લઇ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લીમીટેડ કંપનીમાં આવ્યા હતા અને તેઓએ અમોને જણાવેલ કે તેવો ખાત્રજ ચોકડી અનમોલ ટ્રેકટરના નામે એસકોર્ડ કંપનીના ટ્રેકટરની ડીલરશીપ ધરાવે છે અને રતનપુર રબારીવાસ તા.માતર જી.ખેડા રહે છે આ ચાર ખેડૂતોને ટ્રેક્ટર પર લોન જોઈએ છે તેમ કહી તેમણે પોપટજી ગાંતાજી ચૌહાણ, નસરૃલ્લાખાન હાખાન પઠાણ, વશરામભાઈ કાલાભાઇ ભરવાડ અને સાબ્બીરમીયાં અહેમદમીયાં પરમારના ટ્રેકટરો ઉપર લોન મેળવવા જરૃરી ડોક્યુમેન્ટ જેવા કે ઇનવોઇસ કોપી, પરચેઝ ઓર્ડર તથા આર.ટી.ઓ. કચેરીનુ નોંધણીનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જેથી ફાઇનાન્સ કંપનીએ લોન પેટે કુલ્લે રૃ.૧૯,૫૫,૦૧૭ જેટલી રકમ અનમોલ ટ્રેકટરના બેંક એકાઉન્ટમાં જમા કરી હતી ટ્રેક્ટરોની આરટીઓમાં નોંધણી કરાયા બાદ તેનું પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ આ ટ્રેકટરો આર.ટી.ઓ. કચેરીમાં ગ્રાહકના નામે ડીલરે નોંધણી કરાવી નહતી.
ત્યારબાદ લોનનો હપ્તો છ માસની સમય મર્યાદાનો હોય જે કસ્ટમરોએ હપ્તો નહીં ભરતા તપાસ કરતા જાણવા મળેલ કે અનમોલ ટ્રેકટરના પ્રોપ્રાઇટર મહેબુબખાન ફરીદખાન પઠાણે અમારી કંપનીની લોન ઉપર આપેલ ચારેય ટ્રેકટરો કસ્ટમરો પાસેથી માસિક રૃ.૨૦ હજાર આપવાની શરતે પાછા લઇ ગયેલ છે. જેથી અમોએ તપાસ કરતા આરટીઓ કચેરી નડિયાદ ખાતે તેની તપાસ કરાવતા આ ચારેય ટ્રેક્ટરોની કોઇ નોંધણી થયેલ ન હતી વધુ તપાસ કરતા જે ચેસિસ નંબરવાળા ટ્રેકટરોની લોન લીધી હતી તે ટ્રેક્ટર આરટીઓ કચેરીમાં અન્ય નામે નોંધાયેલા જોવા મળ્યા હતા. જેથી ટ્રેક્ટરના ડીલરની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેક્ટરનો હપ્તો અમે ભરી આપીશું પરંતુ આજ દિન સુધી હપ્તાના ચડેલા રૃપિયા ૧૯,૫૫,૦૧૭ નહિ ભરી છેતરપિંડી કરી હતી.