ગોબલજના યુવાનને ઈન્વેસ્ટ પ્લાનમાં સારું કમિશન લેવા જતાં ૧.૩૫ લાખનો લાગેલો ચુનો
ગઠિયાએ વોટ્સએપ પર મેસેજ મોકલીને ઈન્વેસ્ટ પ્લાનમાં રોકાણ કરવા માટે લલચાવીને પ્રથમ કરેલા રોકાણમાં કમિશન સાથે રકમ જમા કરાવીને વિશ્વાસમાં લઈને કરેલી છેતરપિંડી
ખેડા તાલુકાના ગોબલજ ખાતે રહેતા એક યુવાનને કોઈ ગઠિયાએ ઈન્વેસ્ટ પ્લાનમાં રોકાણ કરવાથી સારુ કમિશન મળશે તેવી લાલચ આપીને કુલ રૃા. ૧.૩૫ લાખ ઉપરાંતની ઠગાઈ કરતા આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં રહેતા અને હોટલમાં આવેલ પાન પાર્લરમા નોકરી કરતાં ૨૧ વર્ષિય ફૈઝાન ફારુકદાઉદ અસામદીના ગત ૧૩મી જાન્યુઆરીના રોજ તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી હેલ્લો ફૈઝાન એવો મેસેજ વોટ્સએપથી મોકલ્યો હતો અને ફોટા મોકલેલા જેમા કરોસેલના ફોટા હતા. વધુમાં આ ગઠિયાએ મેસેજ કરીને જણાવેલ કે આ એક ઇન્વેસ્ટ પ્લાન છે અને તેમા પૈસાનું રોકાણ કરવાથી તમને સારુ કમિશન મળશે. જેથી ફૈઝાન વાતમા આવી જતાં પહેલા નાની રકમ મારફતે ફૈઝાને શરુઆત કરી તો તેને એ રકમ કમિશન સાથે તેના એકાઉન્ટમા જમા થયેલી જોવા મળી હતી. આમ વિશ્વાસ આવતાં વધુ રકમો ફૈઝાને ટુકડે-ટુકડે ભરી હતી.
અને એક આઈડી પાસવર્ડ મારફતે આ રકમનુ રોકાણ અને કમિશન કેટલુ થયું તે જોવા મળતું હતું. જોકે નાણાં વિડ્રો ન થતાં છેલ્લે આ સંદર્ભે જે નંબર પરથી મેસેજ આવ્યો તેના પર જાણ કરતા નાની રકમ હોવાથી નહી ઉપડે તેમ જણાવી આજદિન સુધી અલગ-અલગ ટાસ્કમા કુલ રૃપિયા ૧,૩૫,૧૪૯ ભરાવી ઠગાઈ આચરી હોવાનો અહેસાસ થતાં ફૈઝાને આ મામલે ખેડા ટાઉન પોલીસમાં અજાણ્યા
મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.