ઓડ પાલિકાના ચીફ ઓફિસરને હંગામી કર્મીએ ધમકી આપતા ફરિયાદ
વેરા વસુલાતની કામગીરી સારી ના હોવાથી ચીફ ઓફિસરે ઠપકો આપતા હરપાલસિંહે આપેલી ધમકી
ઓડ નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસરને હંગામી કર્મચારીએ ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપતાં આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને કર્મીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હરેશભાઈ ભીખુભાઈ બ્રહ્મભટ્ટ ઓડ પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે કર્મચારીઓને વેરા વસુલાત માટે વોર્ડ વાઈસ કામગીરી સોંપી હતી. દરમ્યાન દરરોજ સાંજના સુમારે વેરા વસુલાત અંગે રીવ્યુ કરતા હતા. જેના ભાગરૂપે ગઈકાલે સાંજના સુમારે પોતાના કર્મચારીઓને ઓફિસમાં બોલાવીને કેટલા વેરાની વસુલાત થઈ છે તે અંગે એકબાદ એક કર્મચારીઓને પુછતા હતા. હંગામી કર્મચારી હરપાલસિંહ રાવલજીની કામગીરી સારી ના હોય તેને ઠપકો આપતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને હું ઓડનો દાદો છુ, તુ ઓફિસની બહાર આવ, તારા ટાંટીયા ભાંગી નાંખીશ તેમ જણાવીને ઓફિસમાંથી નીકળી ગયો હતો. દશ પંદર મિનિટ પછી બીજા માણસોને બોલાવીને તે ફરીથી ચીફ ઓફિસરની કેબિનમાં જતો હતો ત્યારે અન્ય કર્મચારીઓએ વચ્ચે પડીને તેને સમજાવીને બહાર મોકલી દીધો હતો. આ અંગે હરેશભાઈએ ખંભોળજ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.