ગામડાંમાં વેરો ભરવામાં ઉદાસીનતા : ૩૧ ડિસે. સુધી આણંદ જિલ્લાની કુલ વસૂલાત સરેરાશ માત્ર ૨ ટકા
જિલ્લાના ૮ તાલુકાઓમાં કુલ ૩પરથી વધુ ગ્રામ પંચાયતો : વર્ષની શરૂઆતે જમીન-મહેસૂલની ૧૩.૬ર કરોડની બાકી સામે વર્ષાન્તે ફકત ૮.૯ર લાખની વસૂલાત
તાલુકાદીઠ ૩૧ ડિસે. સુધીની વેરા વસૂલાતની સ્થિતિ
તાલુકો ગામો માંગણું(લાખમાં) વસૂલાત ટકાવારી
આણંદ ૪૩ ૧૭૨.૫૪ ૧.૭૯ ૧.૦૪
ઉમરેઠ ૩૯ ૧૩.૧૩ ૨.૩૮ ૧૮.૧૬
બોરસદ ૬૫ ૯૨.૩૮ ૦.૦૯ ૦.૧૦
આંકલાવ ૩૨ ૨૫.૪૬ ૧.૦૪ ૪.૦૯
પેટલાદ ૫૬ ૬૮.૨૦ ૦.૫૦ ૦.૭૪
સોજીત્રા ૨૧ ૧૧.૩૫ ૦.૯૫ ૮.૩૯
ખંભાત ૫૬ ૯૪૬.૦૯ ૫.૯૩ ૦.૬૩
તારાપુર ૩૮ ૩૨.૦૪ ૦.૩૭ ૧.૧૮
કુલ ૩૫૨ ૧૩૬૨.૫૪ ૮.૯૨
ખંભાત અને બોરસદમાં ઓએનજીસીની કુલ ૯.૧૭ કરોડની બાકી વસૂલાત !
ખંભાત અને બોરસદ તાલુકામાં વિવિધ ગામ વિસ્તારોમાં ઓએનજીસીની પસાર થતી પાઇપલાઇનના ટેકસ અંગે વર્ષોથી બાકી ખેંચાતી આવી રહી છે. આ અંગે જિલ્લા પંચાયત મહેસૂલ વિભાગના સૂત્રોનુસાર આ વસૂલાત મામલે કોર્ટ મેટર ચાલી રહી છે. જેથી ઓએનજીસીના ખંભાત તાલુકામાં ૮.૮૧ કરોડ અને બોરસદમાં ૩પ લાખ ઉપરાંતના મળીને કુલ ૯.૧૭ કરોડનું માંગણું વસૂલ થઇ શકે તેમ નહોવાનું હાલની સ્થિતિએ જોવા મળી રહ્યું છે.
વેરા વસૂલાત ઝડપી બનાવવા તલાટી, ટીડીઓને અપાતી સૂચના
આણંદ જિ.પં. મહેસુલ વિભાગના જણાવ્યાનુસાર દર ગુરૂવારે યોજાતી તલાટીઓની સભામાં બાકી ખેંચાતી વેરા વસૂલાત ઝડપી બનાવવા માટે સૂચના આપવામાં આવે છે. ઉપરાંત ટીડીઓ સાથેની બેઠકમાં પણ વેરા વસૂલાત માટેનું આયોજન હાથ ધરવા સરપંચ-સભ્યો સાથે તબકકાવાર ચર્ચા વિચારણા કરવા અને તે મુજબ ગ્રામ પંચાયતો વેરો સમયસર ઉઘરાવી શકે તે અંગે નિર્દેશ કરવામાં આવી રહ્યા છે. જો કે તંત્રના વિવિધ આયોજનો છતાંયે ગ્રામ્યમાં વેરા વસૂલાતની કામગીરી સમ ખાવા પૂરતી જ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
આણંદ જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં લોકો વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. તો ગ્રામ પંચાયતો પણ વેરો વસૂલાતમાં ઉણી ઉતરી રહી છે. આણંદ જિલ્લાની ૩પરથી વધુ ગ્રામ પંચાયતોમાં ગ્રામજનોના ઘર વગેરેના વેરાના કુલ માંગણા અંદાજે ૧૩.૬ર કરોડની સામે ૩૧ ડિસે.ર૦રર સુધી માત્ર અંદાજે ૮.૯૨ લાખ એટલે કે માંડ બે ટકા જેટલી વસૂલાત થઇ શકી છે.
ગ્રામ્યકક્ષાના બાકી વેરા-મહેસુલની વસૂલાતમાં નિયમિતતા દાખવવા ઉચ્ચકક્ષાએથી સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ અધિકારીઓને ઝુંબેશ વેગવંતી બનાવવા સૂચના આપવામાં આવતી હોય છે. આણંદ જિલ્લાના ૮ તાલુકાઓમાં ૩પરથી વધુ ગ્રામ પંચાયતો આવેલી છે. જો કે શહેરી વિસ્તારમાં વેરા વસૂલાત સારી થતી હોય છે અને જરુર પડયે રીઢા બાકીદારો સામે પાલિકા દ્વારા કડક પગલા પણ લેવામાં આવતા હોય છે. જેથી વસૂલાતની ટકાવારી ઉંચી રહેતી હોય છે.
પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસૂલાત ઓછી થઇ રહી છે. સરકાર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસૂલાત સારી થાય તે માટે જે ગ્રામ પંચાયતો પ૦ ટકાથી વધુ સારી વેરા વસૂલાત કરે તે ગ્રામ પંચાયતોને વધારાની પ્રોત્સાહક ગ્રાન્ટ પણ આપવામાં આવતી હોય છે. છતાં ગ્રામ પંચાયતો વેરા વસૂલાતમાં નબળી પડી રહી છે.