સોજીત્રા નગરપાલિકાના ચીફ ઓફિસર પદને ગ્રહણ...
ઓડના ચીફ ઓફિસરને ર૪ કલાક પૂરા થતા પહેલા સોજીત્રાનો ચાર્જ છીનવાયો, પેટલાદ સીઓને ઇન્ચાર્જપદ
સોજીત્રામાં દબાણ હટાવ ઝૂંબેશ સફળ બને તે પહેલા બે ચીફ ઓફિસરનો ચાર્જ છીનવાયો કે રાજીનામું? ચર્ચાતો સવાલ
હંગામી-પાથરણાવાળા પાસેથી ભાડુ ઉઘરાવવાનો ઇજારો રદ કરાતા ચાર્જ છીનવાયાની ચર્ચા
સોજીત્રા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર હરેશ બ્રહ્મભટ્ટે ચાર્જ સંભાળ્યાના દિવસે તા ૩૧ જાન્યુ.ર૦ર૩ના રોજ સોજીત્રા પાલિકા દ્વારા હંગામી-પાથરણાંનું વર્ષ ર૦રર-ર૩માં હંગામી ભાડુ ઉઘરાવવાનો સોજીત્રાના જાવેદભાઇ આર.વહોરાએ રાખેલ ઇજારો રદ કર્યો હતો. આ અંગેની લેખિત નોટિસમાં જણાવાયું હતું કે, તા ૧ ફેબ્રુ.ર૦ર૩થી દબાણની પ્રક્રિયાને લઇને હંગામી ઇજારો રદ કરવામાં આવે છે. આથી તા ૧ ફેબ્રુ..થી સોજીત્રા પાલિકા વિસ્તારમાં હંગામી ઉઘરાવવાની જરુર રહેશે નહીં તેમ ઇજારદારને જણાવાયું હતું. ઇજારો રદ કર્યાનો મામલો પણ ચોકકસ વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો હતો અને તેના થોડા કલાકો બાદ સોજીત્રા પાલિકાના ઇન્ચાર્જપદેથી ઓડ પાલિકાના ચીફ ઓફિસરને દૂર કરાયાના મામલાએ પણ ચર્ચાઓ જગાવી છે.
સોજીત્રા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર ન હોવાથી સરકાર દ્વારા કરાર આધારિત ચીફ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી રહી છે. પરંતુ યેનકેન કારણોસર ચીફ ઓફિસર લાંબી ઇનિંગ રમી શકતા ન હોય તેમ છેલ્લા સાત માસમાં ચાર ચીફ ઓફિસર બદલાયા છે. સોજીત્રા પાલિકામાંથી વધુ એક ચીફ ઓફિસરનો ચાર્જ છીનવાયો છે. જો કે તેઓના સ્થાને પેટલાદના ચીફ ઓફિસરને ઇન્ચાર્જપદે નિયુકત કરાયા છે.
સોજીત્રા નગરપાલિકા વિસ્તારમાં ખડકાયેલા કાચા-પાકા દબાણો હટાવવા માટે પાલિકા દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો હતો. સોજીત્રાના ધારાસભ્ય દ્વારા પણ સોજીત્રાને દબાણમુકત કરાવવા આદેશ કર્યો હતો પરંતુ દબાણ હટાવ કામગીરી શરુ થાય તે અગાઉ જ ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાઠોડે રાજીનામું આપ્યું હતું આથી ઓડના ચીફ ઓફિસર હરેશ બ્રહ્મભટ્ટને સોજીત્રાનો ચાર્જ સોંપાયો હતો.
જો કે તા. ૩૦ જાન્યુના રોજ સોજીત્રા પાલિકામાં ઇ. ચીફ ઓફિસર હાજર થયા નહતા. જયારે ૩૧ જાન્યુ.એ તેઓએ હાજર થઇને હંગામી ભાડુ ઉઘરાવવાનો ઇજારો રદ કરવાની કામગીરી હાથ ધરી હતી અને સાંજે પ્રાદેશિક કમિશ્નર કચેરીના પત્રથી તાત્કાલિક અસરથી તેમનો ચાર્જ છીનવાયો હતો. ઉપરાંત પેટલાદ પાલિકાના ચીફઓફિસર રામાનુજને સોજીત્રાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
આમ, સોજીત્રા પાલિકામાં વધુ એકવાર ઇન્ચાર્જ ચીફ ઓફિસર મૂકાયા છે. ત્યારે આગામી સમયમાં સોજીત્રાને દબાણ મુકત બનાવવાની ઝુંબેશ કેટલી હદે સફળ બને છે અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર પણ મકકમતાથી કામગીરી કરી શકશે કે કેમ તે જોવુ રહ્યુંની ચર્ચાઓએ જોર પકડયું છે.