બોરસદના જનતા બજારમાંથી ચોરીના ૧૨ મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો
પકડાયેલો ઈસ્માઈલબેગ ઉર્ફે ચીનો ભીડભાડવાળા વિસ્તારમાંથી લોકોની નજર ચુકવીને મોબાઈલ ફોન ચોરી કરી લેતો હતો
બોરસદ શહેર પોલીસે જનતા બજારમાં વોચ ગોઠવીને ચોરીના બાર મોબાઈલ ફોન સાથે એક શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન બીજી કેટલીક મોબાઈલ ચોરી પરથી પડદો ઉંચકાશે તેમ મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેર પોલીસે મળેલી માહિતીના આધારે વોચ ગોઠવી હતી. દરમ્યાન એક શખ્સ થેલી લઈને આવી પહોંચતા પોલીસે તેને શંકાને આધારે અટકાવીને તલાશી લેતા ંઅંદરથી જુદી-જુદી કંપનીના કુલ બાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેની કિંમત ૮૪ હજાર રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે મોબાઈલ ફોન અંગે પુછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસ મથકે લઈ જઈને આકરી પુછપરછ કરતા ઉક્ત મોબાઈલ ફોન તેણે ભીડભાડવાળા વિસ્તારમાં પહોંચી જઈને લોકોની નજરો ચુકવીને ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.