પેટલાદમાં જુની અદાવતમાં યુવાન પર હુમલો પાવડાના દસ્તાથી માર મારતા ફરિયાદ
પેટલાદ શહેરમાં રહેતો અને ડ્રાઈવીંગ કરીને જીવન ગુજરાન ચલાવતો સાજીદખાન ઉર્ફે હરબડી ડોસુખાન પઠાણ ગઈકાલે રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે પેટલાદના બસસ્ટેન્ડમાં ઉભો હતો ત્યારે ઈકો કારમાં ઈરફાન ઉર્ફે ભુરો કાજી, ફરહાનુદ્દીન જાકીઉદ્દીન શેખ અને માહિર આવી પહોંચ્યા હતા. ફરહાનુદ્દીને સાજીદખાનને જણાવ્યું હતુ કે તે અમારા વિરૂદ્ઘ અગાઉ કેમ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી સાજીદખાને તમે મને વગર વાંકે માર માર્યો હતો. જેથી ફરિયાદ કરી હતી. મારે આ બાબતે તમારી સાથે કોઈ વાત કરવી નથી, તમે લોકો અહીંયાથી જતા રહો. જેથી ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને કારમાંથી લાકડાના પાવડાના દસ્તા લઈ આવીને સાજીદખાનને માર મારવાનું ચાલુ કર્યું હતુ. જમણા હાથની કોણી ઉપર ફટકો મારતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ.દરમ્યાન આસપાસના લોકો એકત્ર થઈ જતા ત્રણેય જણાં જાનથી મારી નાંખવાની ધમકી આપીને કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. આ અંગે સાજીદખાને ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.