તારાપુર એપીએમસીની ૧૭ એપ્રિલે ચૂંટણી જાહેર, રાજકીય ગરમાવો
ખેડૂત વિભાગમાંથી ૧૦, વેપારી પ્રતિનિધિ ૪, ખરીદ-વેચાણ મંડળી ર સહિત ૧૯ ડિરેકટર
આણંદ એપીએમસીનો વહીવટ ૧૫ માસથી વહીવટદાર હસ્તક : ઓકટો.ર૦ર૧માં ચૂંટણી યોજાઇ હતી પણ કોર્ટ મેટર થતા પરિણામ જાહેર કરાયું નથી
આણંદ એપીએમસીની ૮ ઓકટો.ર૦ર૧ના રોજ ચૂંટણી યોજાઇ હતી. પરંતુ તેમાં ખેડૂત વિભાગમાં બેંકનું ધિરાણ લેનાર સેવા સહકારી મંડળી જ મતદાર થઇ શકેનો નિયમ છતાંયે ખાનગી ધિરાણવાળી મંડળીઓનો મતદાર યાદીમાં સમાવેશ કરાયાની રજૂઆત થઇ હતી. ઉપરાંત વેપારી વિભાગમાં મતદાર ખોટી હોવાની તથા મંડળીમાં કુલ ૩ પૈકી એક જ મતદારને મતદાનની મંજૂરી અપાયાની બાબતે પણ કોર્ટ મેટર થઇ હતી. આ કેસ હજી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેથી છેલ્લા ૧પ માસથી આણંદ એપીએમસીની વહીવટ રજીસ્ટ્રાર કચેરી દ્વારા નિયુકત વહીવટદાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આણંદ જિલ્લામાં તારાપુર એપીએમસીની આગામી ૧૭ એપ્રિલે ચૂંટણી યોજાનાર હોવાનું જાહેર કરાયું છે. સહકારી ક્ષેત્રની સૌથી મહત્વની ચૂંટણીઓ પૈકીની એક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની ચૂંટણી ગણાય છે. કરોડોનો કારોબાર કરતી સમિતિમાં સભ્ય બનવા માટે અને સમિતિનો વહીવટ પોતાના હાથમાં લેવા માટે એપીએમસીની ચૂંટણીમાં ઝંપલાવવા રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો તલપાપડ હોય છે. ઉલ્લેખનીય છે કે રાજકીય નેતાઓની પરોક્ષ હાજરીથી જ એપીએમસીની ચૂંટણીઓ થાય છે.
તારાપુર એપીએમસીની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો પ્રસર્યો છે. માર્કેટ યાર્ડમાં ચેરમેન તેમજ ડિરેકટર બનવા માટે રાજકીય પક્ષોના વગદાર નેતાઓ દ્વારા લોબિંગ શરુ કરાયું છે. જયારે એપીએમસીના વર્તમાન ચેરમેન સહિતના હોદ્દેદારો પુન: ચૂંટાવવા માટેના આયોજનો કરી રહ્યા છે.
તારાપુર એપીએમસીના સૂત્રોનુસાર એપીએમસીમાં ખેડૂત વિભાગમાં અગાઉ ૮ના સ્થાને આ વખતે ૧૦ સભ્યો ઉપરાંત વેપારી પ્રતિનિધિ ૪ અને ખરીદ-વેચાણ મંડળીના ર પ્રતિનિધિની ચૂંટણી યોજાશે. જયારે સ્થાનિક સંસ્થા ગ્રામ પંચાયત/પાલિકાના ૧, ખેતીવાડી (વિસ્તરણ)ના ૧ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના ૧ સભ્યનો બોર્ડમાં સમાવેશ કરાશે.
વધુમાં જણાવ્યું હતું કે, ૭મીએ એપીએમસીના મતદારોની પ્રાથમિક યાદી જાહેર કરાશે. જેની સામે વાંધા,સૂચનો મળ્યા બાદ સુધારા સાથે નવી યાદી પ્રસિદ્વ કરાશે. ત્યારબાદ નિયમોનુસાર ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.