નાયબ દંડક રમણભાઇ સોલંકીની દરમ્યાનગીરીથી અટકેલ કામ ફરી શરુ કરાયું
બોરસદમાં ગેસ પાઇપ લાઇનનું પુન:ખાતમુહૂર્ત થયાનું શહેરીજનોમાં આશ્ચર્ય
આઠેક માસ અગાઉ ગેસ લાઇન નાંખવાની કામગીરી આરંભાતા જલારામ મંદિર પાસે ખાતમુહૂર્ત કરાયું હતું : છેલ્લા પ માસથી ખોરંભે પડેલ પાઇપલાઇનના કામનું પુન: બસ સ્ટેન્ડ નજીકથી ખાતમુહૂર્ત કરાયું
બોરસદ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઘરેલુ ગેસ માટે ગેસ લાઇનની અનેકવાર રજૂઆતો કરવા છતાં ગેસ લાઇન કંપનીની એન્ટ્રી થઇ નહતી. અંદાજે આઠેક મહિના અગાઉ ખાનગી કાર્યક્રમના ઉદ્દઘાટનમાં આવેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને શહેર ભાજપ પ્રમુખ અને તત્કાલિન પાલિકા પ્રમુખે રજૂઆતો કરતા ચરોતર ગેસ મંડળી દ્વારા બોરસદમાં જલારામ મંદિર નજીક ગેસ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે પાલિકા પ્રમુખ અને કાઉન્સિલરો દ્વારા આ કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. તેમજ બોરસદ-આણંદ રોડ પર આવેલ વહેરા ગામ પાસે ગેસ કંપની દ્વારા સીએનજી-સીએનજી સ્ટેશન માટે જમીનની ખરીદી પણ કરવામાં આવી હતી.
જેમાં બસ સ્ટેન્ડ સુધી પાઇપલાઇન નાંખવાની કામગીરી પણ કરવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર પાઇપલાઇન નાંખવાની કામગીરી છેલ્લા ઘણા મહિનાઓથી અટકી ગઇ હતી. જે બાબતે નાયબ દંડક રમણભાઇ સોલંકીને રજૂઆત કરતા કામગીરી શરુ કરવામાં આવી હતી. જેથી આજરોજ અગાઉ જે જગ્યાએ ખોરંભે પડી હતી ત્યાં નવીન ગેસ પાઇપલાઇન નાંખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં નાયબ દંડક રમણભાઇ સોલંકી, ચેરમેન ધર્મન્દ્રભાઇ પટેલ, પ્રાંત અધિકારી જય બારોટ, શહેર ભાજપ પ્રમુખ દિપકભાઇ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ આરતીબેન પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એક જ કામ બાબતનું બે-બે વાર ખાતમુહૂર્ત થયાની બાબતે શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું.