પેટલાદમાં ભાડા વસૂલાતનો ઇજારો મેળવનાર એજન્સીને પાલિકાએ બ્લેક લીસ્ટ કરી
શહેરમાં લારી-ગલ્લાં, પાથરણાંવાળા પાસેથી રૂ.૧૦થી પ૦ સુધીનું ભાડુ વસૂલીને પાલિકામાં દૈનિક રૂ.૬૩૦૦ ભરવાનો કોન્ટ્રાકટ મેળવ્યો હતો : ભાડા વસૂલાત પેટે એજન્સીએ પાલિકાને આપેલ ચેક બાઉન્સ થતા કાર્યવાહી
પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ લારી-ગલ્લાં, પાથરણાંવાળા સહિતના નાના રોજગારી મેળવનારાઓ પાસેની નિયત ભાડુ વસૂલવામાં આવે છે. પાલિકા દ્વારા બજારભાડા ઉઘરાવવા માટેનો ઇજારો ગત વર્ષ ટેન્ડર પ્રક્રિયા દ્વારા આપવામાં આવ્યો હતો. પરંતુ ઇજારદાર દ્વારા કરારની શરતોનુસાર આપેલ ભાડા વસૂલાતના ચેકો બાઉન્સ થયા હતા. જેથી પાલિકાની કારોબારી કમિટીએ ઠરાવ કરીને ઇજારદાર એજન્સીને બ્લેક લીસ્ટ જાહેર કર્યાનું જાણવા મળે છે.
પેટલાદમાં મુખ્ય માર્ગો સહિતના સ્થળોએ લારી, ગલ્લા, કેબીનો, પાથરણાં વગેરે નાનો,મોટો વેપાર કરનારાઓ ઉભા રહે છે. જેઓની પાસેથી સફાઇ પેટે પાલિકા દ્વારા દૈનિક ભાડા વસૂલાત કરવમાં આવે છે. જો કે અગાઉ ભાડા વસૂલાતની કામગીરી પાલિકાના કર્મચારીઓ કરતા હતા. પરંતુ ભાડાની આવકમાં ઘટાડો થતા ગત વર્ષ પાલિકાએ આ કામગીરીનો ઇજારો આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.જેમાં આવેલા ટેન્ડરો પૈકી સૌથી વધુ દૈનિક રૂ.૬૩૦૦ પાલિકામાં ભરવા સાથે પેટલાદની શ્રી કમલમ મજૂર કામદાર સહકારી મંડળીને વર્ક ઓર્ડર આપ્યો હતો. ગત જૂન,ર૦રરથી મંડળીએ દૈનિક બજારભાડા ઉઘરાવવાની કામગીરી શરુ કરી હતી. જેનું અઠવાડિક રૂ. ૪૦૯પ૦ પાલિકામાં ચેકથી જમા કરાવવામાં આવતા હતા.
જો કે ટેન્ડર પ્રક્રિયાના નિયમોનુસાર દર અઠવાડિયાના ત્રણ મહિના સુધીના એડવાન્સ ચેક ઇજારદારે પાલિકામાં આપ્યા હતા. જો કે શરુઆતના ગાળામાં નિયમિત પેમેન્ટ થયા બાદ ઇજારદારે આપેલા સાત ચેકો બાઉન્સ થયા હતા. જેમાં ઇજારદાર મંડળીના બેંક ખાતામાં બેલેન્સ ન હોવાના પગલે ચેક પરત ફર્યા હતા. આથી પાલિકાએ નોટિસ આપવા છતાંયે ઇજારદારે રકમ ભરી નહતી. આથી પાલિકા દ્વારા બાઉન્સ થયેલ ચેકોનું પેમેન્ટ મેળવવા સિવિલ કોર્ટમાં ઇજારદાર મંડળી વિરુદ્વ દાવો દાખલ કર્યો છે.
દરમ્યાન તાજેતરની પાલિકાની કારોબારી બેઠકમાં આ મામલે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. જેમાં કમલમ મજૂર સહકારી મંડળીએ કરારની શરતોનો ભંગ કર્યાનું અને નકકી થયેલ કરાર મુજબ પાલિકામાં રકમ જમા કરાવવામાં અનિયમિતતા દાખવીને આર્થિક નુકસાન પહોંચાડયું છે. આથી તેને આપેલ કામગીરી રદ કરવા સહિત બાકી નીકળતી રકમ વસૂલ કરવા ઠરાવાયું હતું.
વધુમાં ઠરાવમાં જણાવાયું હતું કે, પાલિકા દ્વારા ભવિષ્યમાં ઇજારદાર મંડળીને કોઇ કામગીરી આપવી નહી અને મંડળીને બ્લેક લીસ્ટમાં મૂકવા સર્વાનુમતે ઠરાવ કરાયાનું જાણવા મળે છે.