ર ફેબ્રુ. વર્લ્ડ વેટલેન્ડ ડે : આણંદ જિલ્લામાં અંદાજે ૩૦૦ અને ખેડામાં ૭૦૦થી વધુ સારસ પક્ષીઓનો વસવાટ
દેશના સૌપ્રથમ સારસ ક્રેન ફેસ્ટીવલની માતરના પરિએજમાં ઉજવણી
પરિએજ સરોવર રાજયમાં સારસનું સૌથી મોટું નિવાસસ્થાન છે : સારસ ઇંડા મૂકવાથી ખેતરમાં થતા નુકસાનીનું વળતર ખેડૂતો લેતા નથી, પક્ષીને પરિવારનો સદસ્ય ગણે છે
યુપીએલ સારસ કન્ઝર્વશન પ્રોજેકટનો હેતુ સારસ પક્ષીઓનું સંવર્ધન થાય, તેમનું રક્ષણ થાય તે માટેનો છે. યુપીએલ લિ.ના સાગર કૌશિકે જણાવ્યું હતું કે, પરિએજ સરોવર ગુજરાતમાં સારસનું સૌથી મોટું નિવાસસ્થાન છે. ગુજરાતના ૬૦ ટકા સારસ માતર તાલુકામાં વસવાટ કરે છે. વધુમાં જણાવ્યું હતું કે,માતર તાલુકાના ખેતરોમાં સારસ ઇંડા મૂકે ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે. તેમના નુકસાનનું વળતર પણ સામાજીક વનીકરણ વિભાગ, નડિયાદ દ્વારા ચકાસણી કરીને આપવામાં આવે છે. પરંતુ ખેડૂતો વળતર લેતા નથી. કારણ કે તેઓ સારસને પોતાના પરિવારના સદસ્ય ગણે છે. પક્ષીના રક્ષણ, સંવર્ધન માટેની લોકોમાં જાગૃતિ ખરેખર પ્રશંસાને પાત્ર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ભારતમાં સૌથી વધુ સારસ પક્ષી ઉત્તરપ્રદેશમાં અને બીજા ક્રમે ગુજરાતમાં આવેલા છે. તેમાંયે રાજયના ૬૦ ટકાથી વધુ સારસ પક્ષીઓ ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિએજ વિસ્તારમાં વસવાટ કરે છે. વર્ષ ર૦૧પથી આણંદ, ખેડા જિલ્લામાં યુપીએલ સારસ કન્ઝર્વશન પ્રોજેકટના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકો કાર્યરત છે. જેઓની જહેમતના કારણે સારસ પક્ષીના રક્ષણના કારણે ૬ વર્ષમાં સારસ પક્ષીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. વર્ષ ર૦૧પ-૧૬માં પ૦૦ સારસ હોવા સામે હાલ સંખ્યા ૯૯રથી વધુની થઇ છે.
ર ફેબ્રુ.ની વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવણીના ભાગરુપે આજે દેશમાં સૌપ્રથમવાર સારસ ક્રેન ફેસ્ટીવલની પરિએજમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ યુપીએલ સારસ કન્ઝર્વશન પ્રોજેકટની કામગીરી બિરદાવી હતી. વધુમાં પરિએજ સરોવરને વિવિધ વિકાસના કામો દ્વારા ટુરીઝમક્ષેત્રે આગળ આવે તે માટેની શુભેચ્છા વ્યકત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં સોજીત્રા, તારાપુર અને ખંભાત પંથકમાં ૩૦૦થી વધુ સારસ પક્ષીઓ વસવાટ કરે છે. જયારે ચરોતરમાં સૌથી વધુ માતરના પરિએજ, વસો, ઠાસરા-ગળતેશ્વર અને ખેડા તાલુકામાં આ પક્ષીઓ ૭૦૦થી વધુની સંખ્યામાં છે. યુગલમાં રહેતા આ પક્ષીમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું આક્રંદમાં મૃત્યુ પામે છે.
પરિએજ સરોવર ખાતે યોજાયેલ દેશના પ્રથમ સારસ ક્રેન ફેસ્ટીવલ પ્રસંગે આજુબાજુના વિસ્તારની ૧પ પ્રા.શાળાઓના ૧પ૦ વિદ્યાર્થીઓ માટે ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા, વાઇલ્ડ લાઇફ અંતર્ગત ગેમ્સ, પપેટ શો યોજાયા હતા. વિજેતાઓને ઇનામ અપાયા હતા. ઉપરાંત ફેસ્ટીવલનું સેલ્ફી પોઇન્ટ, સારસની જીવનચર્યા દર્શાવતું એકઝીબીશન માતરના ધારાસભ્ય કલ્પેશભાઇ પરમાર, ડીડીઓ મેહુલ દવે, નાયબ વન સંરક્ષક અધિકારી ટી.કરૂપાસ્વામી સહિત મહાનુભાવોના હસ્તે ખુલ્લું મૂકાયું હતું.