ભાદરણ રામબાગ પેલેસ નજીક સ્કૂલ બસ પલ્ટી મારતાં ૪ વિદ્યાર્થીઓ ઘાયલ
ટ્રાઈસિકલ પર પસાર થતા દિવ્યાંગને બચાવવા જતા બસના ડ્રાયવરે બે વાર બ્રેક મારવા છતાં બસ ઉભી ન રહી!
બોરસદ તાલુકાના ભાદરણ ગામ નજીક બોરસદ ભાદરણ માર્ગ પર રામબાગ પેલેસ નજીક પૂરપાટ ઝડપે જતી સ્કૂલ બસના ચાલકે અચાનક સ્કૂલ બસના સ્ટેરીંગ પરથી કાબૂ ગૂમાવતા બસ રોડની સાઈડમાં આવેલા ખેતરમાં ધસી જઈ પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર બાળકોએ ચીસો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલ બાળકોને બહાર કાઢ્યા હતા. જેમાં ચાર જેટલા બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર બોરસદની પી. ચંદ્ર વિદ્યાલયની સ્કૂલ બસના ડ્રાઈવર જગદીશભાઈ ચૌહાણ આજે સવારના સુમારે ભાદરણની આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓને લઈને ભાદરણથી બોરસદ તરફ આવી રહ્યા હતા અને સ્કૂલ બસ ભાદરણ બોરસદ માર્ગ પર ભાદરણ નજીક રામબાગ પેલેસ નજીકથી પસાર થઈ રહી હતી. ધુમ્મસ હોવાના કારણે તેમજ રસ્તા પરથી એક દિવ્યાંગ ટ્રાઈસિકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે જતી બસના ચાલક જગદીશભાઈ ચૌહાણે બસને બે વાર બ્રેક મારી હતી. પરંતુ બસની ઝડપ વધુ હોવાના કારણે બસ પરથી કંટ્રોલ ગૂમાવતા બસ રોડની સાઈડમાં આવેલા ખેતરમાં ટેકરા પર ચઢીને પલ્ટી મારી જતાં બસમાં સવાર બાળકોએ ચીસાચીસ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્કૂલ બસમાં ફસાયેલા બાળકોને બહાર કાઢ્યા હતા. જેમાં ચાર બાળકોને વધતી ઓછી ઈજાઓ પહોંચી હતી. જેમાં ધો.૪માં અભ્યાસ કરતી વૈદેહી લલીતભાઈ પટેલ (રહે. કિંખલોડ)ને ઈજાઓ પહોંચી હોય તેણીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ત્વરીત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લઈને ચિંતાગ્રસ્ત વાલીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોતાના સંતાનોને હેમખેમ જોતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.