મહિયારી સીમમાં ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું : ૧.૦૨ કરોડના મુદ્દામાલ સાથે ૬ની ધરપકડ
વહેલી સવારે પોલીસે છાપો મારતા છ જેટલી ટ્રકોમાં સળિયાની હેરાફેરી કરાઈ રહી હતી : ભાવનગર પંથકમાંથી લોખંડના સળિયા ભરીને નીકળતી ટ્રકોના ડ્રાયવરોનો મુખ્ય સુત્રધાર સંજયસિંહ ઉર્ફે એસપીનો સંપર્ક કરી ટ્રકોને મહિયારી ગામની સીમના ખેતરમાં લાવીને ચોરીઓ કરતા હતા
છેલ્લા ૧૫-૨૦ દિવસથી લોખંડના સળિયાનું કટીંગ ચાલતું હતું
પોલીસના જણાવ્યા અનુસાર ભાવનગરના ભોજપરા ગામે રહેતો સંજયસિંહ ઉર્ફે એસપીએ છેલ્લા ૧૫-૨૦ દિવસથી મહિયારી ગામની સીમમાં આવેલુ ઉક્ત પડતર ખેતર ભાડેથી લીઘું હતુ અને ત્યાં લોખંડના સળિયાનું કટીંગ ચાલુ કરી દીધું હતુ. દરરોજ અહીંયા એક ટ્રકમાંથી લોખંડની પાંચ-પાંચ ભારીઓ એટલે કે અંદાજે ૨૧ હજારની કિંમતનું ૩૦૦ કિલો લોખંડ ચોરી કરી લેવામાં આવતુ હતુ. બદલામાં પ્રત્યેક ટ્રકના ચાલકને માત્ર ત્રણ-ત્રણ હજાર રૂપિયા જ આપતો હતો. આવી દશથી બાર જેટલી ટ્રકોમાંથી અંદાજે ૨ થી ૨.૫ લાખની કિંમતના લોખંડના સળિયા અને સામાન ચોરી કરીને વેચી મારવામાં આવતા હતા.
આણંદ એસઓજી પોલીસે આજે મળસ્કે તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા મહિયારી ગામની સીમના પડતર ખેતરમાં છાપો મારીને ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરવાનું રેકેટ ઝડપી પાડ્યું હતુ. પોલીસે મુખ્ય સુત્રધાર અને પાંચ ટ્રકોના ડ્રાયવર સહિત છ શખ્સોને ઝડપી પાડીને કુલ ૧.૦૨ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, છેલ્લા કેટલાક દિવસોથી તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે પર આવેલા મહિયારી ગામની સીમમાં આવેલી આશિષ હોટલની પાસેના પડતર ખેતરમાં ભાવનગરનો સંજયસિંહ નામનો ઈશમ લોખંડના સળિયા ભરેલી ટ્રકોમાંથી કેટલાક સળિયા કાઢી લઈને તેનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસની ટીમ વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે ત્રાટકી હતી.
જ્યાં બે શખ્સો એક ટ્રકમાંથી લોખંડના સળિયાની ભારીઓ બીજી ટ્રકમા મુકતા નજરે પડ્યા હતા જ્યારે ચારેક જેટલા શખ્સો આસપાસ ઉભેલા મળી આવ્યા હતા. પોલીસે તમામને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા અને પુછપરછ કરતા પાંચ શખ્સો ભાવનગર પંથકમાથી લોખંડના સળિયા તેમજ સામાન ભરીને જતી ટ્રકોના ડ્રાયવરો હતો અને તેઓ આ ટ્રકોને સંજયસિંહ ઉર્ફે એસપી પ્રધ્યુમનસિંહ સરવૈયા (રે. ભોજપરા, ભાવનગર)ના કહેવા પર આ જગ્યાએ લાવતા હતા જ્યાં સંજયસિંહની મદદથી કેટલીક લોખંડની ભારીઓ કાઢી લઈને અન્ય ટ્રકમાં મુકી દેતા હતા. આ પેટે સંજયસિંહ દ્વારા ત્રણ-ત્રણ હજારની રકમ આપવામાં આવતી હતી.
પોલીસે તેઓના નામઠામ પુછતાં સંજયસિંહ ઉપરાંત ભુપતસિંહ જીલુભા કામળીયા (રે. કણમોદર, ભાવનગર), વિક્રમભાઈ માલુભાઈ ઉધેડીયા (રે. ભોળાદ, ભાવનગર), સંજયભાઈ વિઠ્ઠલભાઈ ખસીયા (રે. ભડલી, ભાવનગર), મુસ્તુફા યુસુફભાઈ સંધી (રે. શિહોર, ભાવનગર)અને સંજયભાઈ પ્રેમજીભાઈ ચાવડા (રે. શિહોર, ભાવનગર)ના હોવાનું જણાવ્યું હતુ.
તેઓની અંગજડતી કરતા રોકડા ૪૯૬૦, છ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે છ ટ્રકો, ૫૪.૬૦ લાખની કિંમતના સળિયા, ગ્રાઈન્ડર કટર મશીન, ઈલેક્ટ્રીક વજન કાંટો વગેરે મળીને કુલ ૧,૦૨,૯૨,૪૬૦નો મુદ્દામાલ જપ્ત કરીને તારાપzુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.