નડિયાદ તાલુકાના નરસંડા ચોકડી નજીકથી અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર
માથામાં ઈજા અને પાટાપીંડી બાંધેલી હાલતમાં હોય હત્યા કરાઈ હોવાની શંકા
નડિયાદ તાલુકાના નરસંડા ચોકડીથી ઉત્તરસંડા જવાના માર્ગ પરથી એક અજાણી લાશ મળી આવી છે. ચકલાસી પોલીસે આ લાશનો કબ્જો લઈ તેના વાલીવારસોની શોધ હાથ ધરી છે. મરનારના માથામાં ઈજા હોય તેમજ પાટાપીંડી બાંધેલા આ અજાણ્યા ઈસમની હત્યા થઈ કે પછી કુદરતી મોત એ તપાસનો વિષય છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર નડિયાદ તાલુકાના નરસંડા ચોકડીથી ઉત્તરસંડા જવાના માર્ગ પર રોડની સાઈડ પર એક અજાણી લાશ હોવાની માહિતી ચકલાસી પોલીસને મળતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરતા ૩૦ થી ૪૦ વર્ષીય અજાણ્યા ઈસમની લાશ નજરે પડી હતી. પ્રાથમિક તપાસમાં મરનાર વ્યક્તિના માથામાં ઈજા થયેલી નજરે પડતી હતી તેમજ કોઈ જગ્યાએ સારવાર લીધી હોય તેવું પણ જણાઈ આવ્યું હતું. કારણ કે તેના માથામાં ઈજાના ભાગે પાટાપીંડી બાંધેલા હતા. હાલમાં પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ માટે મોકલી છે.
ચકલાસી પોલીસના જણાવ્યા અનુસાર મરનાર વ્યક્તિ ભિખારી જેવો દેખાય છે. કોઈ કારણસર તેને ઈજા થઈ હોય અને સેવાભાવી લોકોએ તેની સારવાર માટે પાટાપીંડી કરાવી હોય તેવી શક્યતા છે અને રાત્રે આ સ્થળે આરામ કરવા રોકાયો હોય અને તેનું મોત નિપજ્યું હોવાની શક્યતા પણ છે.