મહેમદાવાદના મગનપુરામાં વ્યાજખોરે ખેડૂત પાસેથી ૧૦ ટકા ઉંચુ વ્યાજ વસૂલતા ફરિયાદ
૧ લાખની સામે ૧.૩૫ લાખ ચુકવ્યા છતાં પણ વધુ નાણાંની માંગણી કરીને ત્રાસ ગુજારતા હતા
મહેમદાવાદના મગનપુરામાં વ્યાજખોરે ખેડૂત પાસેથી ૧ લાખની સામે વ્યાજ સહિત રૂા. ૧.૩૫ લાખ ચૂકવ્યા આમ છતાં બમણાં રૂપિયા ૨.૫૦ લાખની માંગણી કરીને ટાઈપ કરેલા લખાણમાં ખેડૂતની સહી કરાવી લઈ કોરા ચેક મેળવી લેતા આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મહેમદાવાદ તાલુકાના કતકપુરા ગામે રહેતા ૩૯ વર્ષિય મુકેશભાઈ કાળીદાસભાઈ ખાંટ પોતે ખેતી સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૧૮ના માર્ચ માસમાં તેમને ખેતીના કામકાજ અર્થ નાણાંની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. જેથી તેઓએ પોતાની સાથે નોકરી કરતા મહેમદાવાદ તાલુકાના ગોઠાજ તાબેના મગનપુરા ગામે રહેતા રાજેશભાઈ સોમાભાઈ ચૌહાણ પાસેથી રૂા. ૧ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. આ સમયે રાજેશભાઈએ ત્રણ મહિનાના એડવાન્સ વ્યાજના રૂપિયા ૧૦ હજાર કાપી ૯૦ હજાર રૂપિયા મુકેશભાઈને આપ્યા હતા. અને જે તે સમયે સહી કરેલા ત્રણ કોરા ચેક મુકેશભાઈએ આ રાજેશભાઈને આપ્યા હતા. સંજોગોવસાત મુકેશભાઈ આ રાજેશભાઈના સમયસર પૈસા આપી શક્યા ન હતા અને બાદ વ્યાજખોર રાજેશભાઈએ મુકેશભાઈને બોલાવી એક ટાઈપ કરેલા લખાણ પર તેમની સહી મેળવી લીધી હતી. જો કે આ સમયે મુકેશભાઈએ વાંચવાનું કહ્યું તો રાજેશભાઈએ વાંચવા દીધું ન હતું અને જબરજસ્તી સહી કરાવી લીધી હતી.
આ બાદ વર્ષ ૨૦૧૦માં મુકેશભાઈએ રાજેશભાઈને વ્યાજે લીધેલ મૂડી રૂા. ૧ લાખ રોકડા આપી દીધા હતા અને એ બાદ ૨૫ હજાર આપ્યા હતા. તો આ અગાઉ પણ વ્યાજના નાણાં મળી કુલ રૂા. ૧,૩૫,૦૦૦ આપી દીધા હતા. આમ છતાં પણ આ વ્યાજખોર રાજેશભાઈએ ૩ ટકાનું સીધું ૧૦ ટકા વ્યાજ વસૂલી તમારે ૨,૫૦,૦૦૦ રૂા. ભરવાના છે તેમ કહ્યું હતું. જો કે આ નાણાં ન આપતા મુકેશભાઈના ૩ પૈકીના બે ચેક મોટી રકમ ભરી વટાવતા ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે પરત ફર્યા હતા. આ સમયે મુકેશભાઈને જાણવા મળ્યું હતું કે તેમના મિત્ર મંગાભાઈ નાથાભાઈ સોઢાએ પણ રાજેશ ચૌહાણ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને તેમની સાથે પણ આવો બનાવ બન્યો છે. આથી મુકેશભાઈ ખાટે સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસમાં વ્યાજખોર રાજેશભાઈ સોમાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.