પેટલાદમાં છુટાછેડાની બાબતે પિતા પુત્ર ઉપર ચાકુથી હુમલો, હાલત ગંભીર
સગા વેવાઈ અને તેના પુત્રએ હુમલો કરીને માર મારતાં ફરિયાદ
પેટલાદ શહેરના ધોબીકુઈ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સુમારે છુટાછેડાની અદાવતમાં પિતા-પુત્ર ઉપર સગા વેવાઈ અને તેમના પુત્રએ ચાકુથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે પેટલાદ શહેર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રધ્યુમનસિંહ ચંદુલાલ કાછીયા લેબર કોન્ટ્રાક્ટરનું કામકાજ કરીને જીવન ગુજરાન ચલાવે છે. તેમની પુત્રી જીનલ ઉર્ફે ટપુએ ૨૦-૫-૧૬ના રોજ દિવકુમાર હિરેનભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સુખી સંસારના ફળસ્વરૂપે બે પુત્રીઓની પણ પ્રાપ્તી થઈ હતી. જો કે પુત્રીએ લવ મેરેજ કરી લેતાં તેની સાથેનો સંબંધ કાપી નાંખ્યો હતો.
દરમ્યાન પુત્ર મીત્તના લગ્નમાં જ પુત્રી જીનલ આવી હતી. ગઈકાલે વેવાઈ હિરેનભાઈ ભીખાભાઈ પટેલ તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને પુત્રના છુટાછેડાના કાગળીયાની ઝેરોક્ષ આપી ગયા હતા. જેમાં કોઈની સહીઓ ના હોય પ્રધ્યુમનસિંહે ફોન કરીને પુછપરછ કરતા રાત્રીના પોણા આઠેક વાગ્યાના સુમારે હિરેનભાઈ અને તેમનો પુત્ર દિવકુમાર પ્રધ્યુમનસિંહના ઘરે આવી પહોંચ્યા હતા અને મીત્તને ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતુ.
પ્રધ્યુમનસિંહ છોડાવવા વચ્ચે પડતા હિરેનભાઈએ પોતાની પાસેનું ચાકુ તેમને ગરદનના ભાગે મારી દીધું હતુ. જ્યારે મીત્તને પણ પાંસળીમાં ચાકુ મારી દેતાં બન્ને લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા.
દરમ્યાન આસપાસના રહીશો આવી પહોંચતા બન્ને જણાં ત્યાંથી આજે તો બચી ગયા છો, ફરીથી જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને તુરંત જ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.