આણંદ: હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી ફરાર
હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો ચાવડાપુરા ખાતે રહેતો કેદી પેરોલ ફર્લો રજા મંજુર કરાવીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચાવડાપુરા ખાતે રહેતા નીલેશભાઈ ખુમાનસિંહ પરમારને તારીખ ૩૦-૫-૧૨ના રોજ આણંદની સેશન્સ કોર્ટે હત્યા તેમજ હત્યાના પ્રયાસના ગુનામાં તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.જેથી તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તે પાકા કામના કેદી તરીકે રહેતો હતો. દરમ્યાન ગત ૨૧-૧૨-૨૨ થી ૫-૧-૨૩ સુધીની તેની ૧૪ દિવસની ફર્લો રજા મંજુર થઈ હતી જેથી તે જેલમાંથી બહાર નીકળ્યો હતો. ૫મી તારીખના રોજ જેલબંધી થાય તે પહેલા તેને વડોદરા મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતુ પરંતુ તે હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. આ અંગે જેલરે આણંદ રૂરલ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.