લંડનમાં ખાલિસ્તાનીઓ દ્વારા તિરંગાનું અપમાન : દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશન બહાર પ્રદર્શન
ભારત અમારું ગૌરવ: ખાલિસ્તાનીઓ વિરૂદ્ઘ શીખોએ બેનરો, પોસ્ટરો લહેરાવી સૂત્રોચ્ચાર કર્યા : બ્રિટનમાં વસતા અન્ય ભારતીયો દ્વારા જે તિરંગો ઉતારવામાં આવ્યો તેનાથી પણ મોટો તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓને આપ્યો જડબાતોડ જવાબ
ભારતીય વિદેશ મંત્રાલયે બ્રિટીશ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી
રવિવારે લંડનમાં હાજર કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ અમૃતપાલ વિરુદ્ઘ પંજાબ પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. ખાલિસ્તાની સમર્થકો લંડનમાં ભારતીય હાઇ કમિશન પહોંચ્યા હતા. પહેલા તોડફોડ કરી અને બાદમાં અહીં લગાવેલા તિરંગાને ઉતારી લીધો હતો. આ પગલાં સામે ભારતે પણ આક્રમક વલણ અપનાવીને બ્રિટન પાસે ખુલાસો માગ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહયું - આશા કરીએ છીએ કે બ્રિટિશ સરકાર આ મામલે ઝડપથી કાર્યવાહી કરશે. હંગામા દરમિયાન ભારતીય હાઇકમિશનમાં બ્રિટિશ સિકયોરિટી હાજર ન હતી. મંત્રાલયે આ અંગે સ્પષ્ટીકરણ પણ માગ્યું છે.
અમૃતપાલના પાંચ સાથીદારો પર NAS લદાયો
આઇજીએ કહયું કે અત્યાર સુધીમાં જે તથ્યો અને સંજોગો સામે આવ્યા છે તેના આધારે અમને આઇએસઆઇ એંગલ પર ઊંડી શંકા છે. અમને વિદેશી ભંડોળની પણ શંકા છે. પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે આમાં આઇએસઆઇ સામેલ છે અને વિદેશી ફંડીંગ પણ મળ્યું છે. અત્યાર સુધીમાં ૧૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) હેઠળ ડિબ્રુગઢ મોકલવામાં આવેલા પાંચ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
લંડનમાં ભારતીય હાઇ કમિશનમાં રવિવારે થયેલી તોડફોડની ઘટનાનો સોમવારે નવી દિલ્હીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ હાઇ કમિશનનો તિરંગો ઉતારી દીધો હતો. નવી દિલ્હીમાં ચાણકયપુરીમાં બ્રિટિશ હાઇ કમિશનની બહાર મોટી સંખ્યામાં શીખો એકઠા થયા હતા અને ખાલિસ્તાનીઓની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જો કે દિલ્હી પોલીસ અહીં ગેટ પર પહેલેથી જ એલર્ટ હતી. દિલ્હી પોલીસે બ્રિટિશ હાઇ કમિશન વિસ્તાર ખાલી કરાવ્યો હતો. શીખ પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. યુકે હાઇ કમિશનની આસપાસ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. શીખ પ્રદર્શનકારીઓ મુખ્યદ્વાર સુધી પહોંચી ગયા હતા.
શીખોએ અહીં ખાલિસ્તાનીઓ વિરૂદ્ઘ દિલ્હીમાં બેનરો અને પોસ્ટરો લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કહ્યું - ભારત અમારું સ્વાભિમાન છે. આ શીખોના મતે તિરંગાનું અપમાન કોઇપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહી.
ખાલિસ્તાની સમર્થકોએ ફરી માથું ઊંચકયું છે. પંજાબમાં ખાલિસ્તાનની માગ સાથે બળવો કરી રહેલા અમૃતપાલ સિંહને હવે વિદેશમાં વસતા ખાલિસ્તાની સમર્થક પંજાબીઓ તરફથી સમર્થન મળવા લાગ્યું છે. અને બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં અમૃતપાલની ધરપકડ ન થાય તેનો વિરોધ થવા લાગ્યો છે. પંજાબ પોલીસ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ વિરુદ્ઘ કાર્યવાહી કરી રહી છે. રવિવારે લંડનમાં હાજર કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો. ખાલિસ્તાની લંડનમાં ભારતીય હાઇ કમિશન પહોંચ્યા હતા. પહેલા તોડફોડ કરી અને બાદમાં અહીં લગાવેલા તિરંગાને ઉતારી લીધો હતો. આ પગલાં સામે ભારતે પણ આક્રમક વલણ અપનાવીને બ્રિટન પાસે ખુલાસો માગ્યો છે. જો કે બ્રિટનમાં વસતા અન્ય ભારતીયોએ જે તિરંગો ઉતારવામાં આવ્યો તેનાથી પણ મોટો તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો છે બીજી તરફ, સૌથી વધારે પંજાબીઓ જયાં વસે છે એ કેનેડામાં પણ અમૃતપાલના સમર્થકોએ જોર બતાવ્યું છે અને આજે સોમવારે બપોરે ૧૨ વાગે વિશાળ રેલી કાઢવાની જાહેરાત કરાઈ હતી.આ રેલી માટે શેર કરવામાં આવેલા પોસ્ટમાં અૃમતપાલ સિંહને મુકત કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, અમૃતપાલ હજુ સુધી પોલીસની પકડથી બહાર છે આ પોસ્ટરમા લોકોને ટોરેન્ટોમાં એકઠા થવાની અપીલ કરી છે.