Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
ઉઝબેકિસ્તાનમાં બાળકોના મૃત્યુ મામલે કફ સિરપ બનાવતી મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાયસન્સ રદ કરાયું
સેમ્પલમાં ભેળસેળની જાણ બાદ લાયસન્સ રદ કરાયું, નોઈડાની બહાર કોઈપણ પ્લાન્ટમાં ઉત્પાદન નહીં થાય
23/03/2023 00:03 AM Send-Mail
ઉત્તર પ્રદેશ ડ્રગ કંટ્રોલિંગ એન્ડ લાઇસન્સિંગ ઓથોરિટીએ ઉઝબેકિસ્તાનમાં ૧૮ બાળકોના મૃત્યુ સાથે જોડાયેલી ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાયસન્સ રદ્દ કર્યું છે. ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ કમિશનર સંદીપ કુમાર ચૌરસિયાએ જણાવ્યું કે,સેમ્પલમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યા બાદ તપાસ શરૃ કરવામાં આવી હતી. અમે લાયસન્સ રદ કર્યું છે. નોઈડાની બહાર કોઈ પણ પ્લાન્ટમાં ઉત્પાદન થશે નહીં. લાયસન્સ રદ કરવાનો નિર્ણય સીડીએસસીઓ અને રાજ્ય આરોગ્ય નિયમનકાર દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. નોઈડા પોલીસે ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે અને તેના બે ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે.

મેરિયન બાયોટેકના ૩૬માંથી ૨૨ નમૂનાઓમાં ઇથિલિન ગ્લાયકોલ સાથે ભેળસેળ કરવામાં આવી હતી, જે ઉઝબેકિસ્તાનમાં બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા પદાર્થ છે. મેન્યુફેક્ચરિંગ લાયસન્સ રદ કરવાનો રિપોર્ટ પણ આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.

હકીકતમાં, નોઇડા સ્થિત આ ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપ ડોક-૧ મેક્સમાં ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ કેમિકલ ઉમેરવામાં આવી રહ્યા હતા. આ કેમિકલ ભારત સહિત ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. તેનો ઉપયોગ ચાસણીને મજબૂત અને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. ચંદીગઢ લેબમાંથી આવેલા સિરપના સેમ્પલના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. દવાના ટેસ્ટમાં સીરપના ૨૨ સેમ્પલ અલગ-અલગ ફેલ થયા છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ૨૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ દૂતાવાસમાંથી માહિતી મળી હતી. બીજા દિવસે એટલે કે ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ ઉદય ભાસ્કરે મેરિયન બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સચિન જૈનને ઈમેલ મોકલ્યો. આ મેલમાં તેમણે ઉઝબેકિસ્તાનમાં ૨ મહિનામાં ૧૮ બાળકોના મોતની જાણકારી આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પોતે આ મામલાની નોંધ લીધી અને તપાસ હાથ ધરી છે.