બ્રિટન બાદ અમેરિકન સરકાર પણ એકશનમાં
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ બહાર ખાલિસ્તાની સમર્થકો એકઠા થતાં યુએસ સરકારે સુરક્ષા દળો તૈનાત કર્યા
પોલીસે એમ્બેસી બહાર ચારે બાજુ બેરિકેડ લગાવી લોકોને એકઠા થતાં અટકાવ્યા હતા : અમે રાજદ્વારી સુવિધાઓ પર કોઈપણ હુમલાની નિંદા કરીએ છીએ : યુએસ પ્રવક્તા
બ્રિટન બાદ અમેરિકન સરકાર પણ એક્શનમાં આવી છે. સરકારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. પોલીસે એમ્બેસીની ચારે બાજુ બેરિકેડ લગાવી દીધા છે. ગઈકાલે ફરી એકવાર કેટલાક ખાલિસ્તાની સમર્થકો યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા હતા. આ લોકોને પોલીસે અટકાવ્યા હતા.
આ પહેલા રવિવારે પણ કેટલાક ખાલિસ્તાની સમર્થકો અહીં પહોંચ્યા હતા અને તેમણે તોડફોડ કરી હતી. રવિવારે દૂતાવાસની બહાર કોઈ સુરક્ષા ન હતી. આ ઘટનાથી ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે દુતાવસના બે કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુસ્સે થયેલા દેખાવકારોએ વાણિજ્ય દૂતાવાસ પરિસરમાં ઘૂસીને હાથમાં સળિયા સાથે દરવાજા અને બારીઓ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર રવિવારે ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડ અને દેખાવો કરવામાં આવ્યા હતા. આ દેખાવકારોએ બિલ્ડિંગની બહાર ખાલિસ્તાની ઝંડા પણ લહેરાવ્યા હતા. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતી વખતે પ્રદર્શનકારીઓએ સુરક્ષા વ્યવસ્થાનો નાશ કર્યો અને કોન્સ્યુલેટ પરિસરમાં બે ખાલિસ્તાની ઝંડા લગાવી દીધા હતા.
યુએસસ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું યુનાઈટેડ સ્ટેટ્સ ભારતીય વાણિજ્ય દૂતાવાસ પરના હુમલા અને યુનાઈટેડ સ્ટેટ્સની અંદર રાજદ્વારી સુવિધાઓ પર કોઈપણ હુમલાની નિંદા કરે છે. અમે આ કામ કરતા રાજદ્વારીઓની સલામતીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞાા કરીએ છીએ.