ફ્રાન્સમાં પેન્શન બિલના વિરોધમાં ૩૫ લાખ લોકો રસ્તા પર ઉતર્યા
બસ સ્ટોપ, દુકાનોમાં તોડફોડ : રાષ્ટ્રપતિ મેક્રોને કહયું કે બિલ દેશના હિતમાં છે
૧૬ માર્ચ ફ્રાન્સના વડાપ્રધાને બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને મતદાન વિના બિલ પાસ કરાવ્યું હતું
ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં ગત ૧૬ માર્ચ વડાપ્રધાન એલિઝાબેન બોર્ન બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને બિલને મતદાન કર્યા વિના પાસ કરાવી દીધું હતું. તેઓએ કલમ ૪૯.૩નો ઉપયોગ કર્યો હતો. જેના હેઠળ સરકાર પાસે બહુમતિ ન હોય તો મતદાન કર્યા વિના બિલ પસાર કરવાનો અધિકાર છે. ત્યારબાદ વિરોધ પક્ષના નેતા મરીન લે પેને ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની વાત કરી હતી. આ બિલ હેઠળ ફ્રાન્સમાં નિવૃતિ વય ૬૪થી વધારીને ૬૬ વર્ષ કરવામાં આવી છે.
ફ્રાન્સમાં પેન્શન રીફોર્મ બિલના વિરોધમાં આજે દેશના જુદા જુદા શહેરોમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં દેશભરમાં અંદાજે ૩પ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરીને મેક્રોન સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. દેશની રાજધાની પેરિસમાં લગભગ ૮ લાખથી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. લોકો હાથમાં ધ્વજ, પોસ્ટરો તથા પેન્શન બિલ-મેક્રોન વિરોધી સૂત્રો લખેલા બેનરો સાથે જોડાયા હતા. પ્રદર્શનકારીઓને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જયારે બોર્ડો શહેરમાં રોષે ભરાયેલા લોકોએ સિટી હોલના મુખ્ય દરવાજાને આગચંપી કરી હતી. પોલીસે ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો. જો કે ૧૦૦ પ્રદર્શનકારીઓની અટકાયત સાથે ૧ર૦થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.
બે દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને આ બિલ અંગે કોઇ અફસોસ નથી. દેશના હિત માટે આ જરુરી છે. વડાપ્રધાન એલિઝાબેન તેમના પર પરથી રાજીનામું આપશે નહી. જો કે મને એ વાતનો અફસોસ છે કે હું ફ્રેન્ચ લોકોને આ બિલની જરુરિયાત વિશે સમજાવી શકયો નહી. કોરોના બાદ દેશમાં મોંઘવારી વધી હોવાથી અમને આ બિલની જરુર છે.
વડાપ્રધાન એલિઝાબેન બોર્નએ જણાવ્યું હતું કે, નવી પેન્શન યોજનાના પ્રસ્તાવો હેઠળ ર૦ર૭થી લોકોએ સંપૂર્ણ પેન્શન લેવા માટે કુલ ૪૩ વર્ષ કામ કરવું પડશે. અત્યાર સુધી લઘુત્તમ સેવાનો સમયગાળો ૪ર વર્ષનો હતો. સરકાર આને ફ્રાન્સની શેર-આઉટ પેન્શન સિસ્ટમને બચાવવા માટેના એક મહત્વપૂર્ણ પગલા઼ં તરીકે ગણાવી રહી છે. સરકાર કહે છે કે કામ કરનારા અને નિવૃત લોકોનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. એને જોતા નિવૃતિની ઉંમર વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.