Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
રોતે રોતે હંસના સીખો, હંસતે હંસતે રોના, જિતની ચાબી ભરી રામને, ઉતના ચલે ખિલૌના...
26/03/2023 00:03 AM Send-Mail
યાદ છે ને અમિતાભ બચ્ચન અને હેમા માલિની સાથે રજનીકાન્તને ચમકાવતી ફિલ્મ'અંધા કાનૂન' અને તેનું ગાયન 'રોતે રોતે હંસના સીખો, હંસતે હંસતે રોના,જિતની ચાબી ભરી રામને, ઉતના ચલે ખિલૌના..'? જાણે કે આનંદ બક્ષીના એ શબ્દો સાકાર થતા હોય એમ તે પિક્ચરના દિગ્દર્શક ટી. રામારાવના જીવનની ચાવી ૨૦મી એપ્રિલ૨૦૨૨નારોજ પૂરી થઈ ગઈ.રામારાવ ઉંમરને લીધે આવતી તકલીફોને કારણે ૮૩ વર્ષની વયે આ દુનિયાથી વિદાય થયા, ત્યારે તેમણે સર્જેલી ફિલ્મોની સંખ્યા સિત્તેરની આસપાસ હતી! એટલા વિપુલ પ્રમાણમાં ફિલ્મો બનાવનાર રામારાવ મૂળે તો તેલુગુ ભાષાના કસબી. પરંતુ, હિન્દી સિનેમાના ચાહકો માટે'૮૦ના દાયકામાં મુખ્યત્વે જીતેન્દ્રને લઈને બનેલી સાઉથની સંખ્યાબંધ રિમેક ફિલ્મો લાવનાર સર્જક પણ એ જ! જીતેન્દ્રની૧૯૮૦ના સમયગાળામાં આવેલી ફિલ્મો 'લોક પરલોક', 'જુદાઇ', 'માંગ ભરો સજના', 'એક હી ભૂલ', 'યેહ દેશ', 'સદા સુહાગન', 'હકીકત', 'દોસ્તી દુશ્મની' 'ઇન્સાફ કી પુકાર', 'મજબુર' (૧૯૮૯) એ તમામના નિર્દેશક હતા ટી. રામારાવ. તો તેમણે મિથુન ચક્રવર્તીને લઈને 'મુઝે ઇન્સાફ ચાહિયે', 'વતન કે રખવાલે', 'મુકાબલા', 'રાવણ રાજ', 'સૌતેલા' તેમ જ અમિતાભ બચ્ચનની 'ઇન્કિલાબ' રીશી કપૂરની 'નસીબ અપના અપના', અનિલ કપૂરની 'બુલંદી' અને 'મિસ્ટર આઝાદ', ધર્મેદ્ર અને સંજયદત્તની 'ખતરોં કે ખિલાડી', ગોવિંદાની 'હથકડી' એમ હિન્દી સિનેમાના ટૉપસ્ટાર્સને લઈને તેમણે ફિલ્મોનું સર્જન કર્યું હતું, તેમાં અંગત વહેવારમાં તેલુગુ બોલતી રેખા, શ્રીદેવી અને જયા પ્રદા જેવી હિરોઇનોને લઈને કમ્ફર્ટ લેવલ રાખતા.ઉપરાંત બીજું એક તત્વ કૉમન હતું. એ પિક્ચરો હિન્દીમાં બને તે પહેલાં તેનું ટેસ્ટીંગ હૈદરાબાદમાં થઈ ચૂક્યું હોય! તેલુગુમાં બનેલી ફિલ્મને આંધ્રમાં જે રિસ્પોન્સ મળે તેના પરથી ઓલ ઇન્ડિયા લેવલે રિલીઝ થાય તો વાર્તા ક્લિક થશે કે નહીં તેનો અંદાજ મૂકી શકાતો. રામારાવજી મનમોહન દેસાઇની માફક જ જરાય ડિફેન્સિવ થયા વગર મસાલા ફિલ્મોને ભારતીય પ્રેક્ષક માટે આવશ્યક ગણતા. તેમાં ગીત-સંગીત તો હોય જ. 'ઇન્કિલાબ'માં 'બિચ્છુ લડ ગયા'ની ધમાલ હોય કે 'માંગ ભરો સજના'માં 'કાહે કો બ્યાહી બિદેસ...'ની સંવેદના હોય, એ પારિવારિક, સામાજિક મુદ્દાનાં પિક્ચરો ઇમોશનલ મસાલાથી ભરપૂર બનાવતા. મનમોહન દેસાઇના ચિત્ર 'નસીબ'ની એક પંક્તિ પરથી પોતાની ફિલ્મનું નામ 'જહોન જાની જનાર્દન' રાખ્યું હતું અને એ ત્રણેય રોલમાં રજનીકાન્તને લીધા હતા! રજનીકાન્તને 'અંધા કાનૂન'થી હિન્દી પડદે લાવનાર પણ ટી. રામારાવ.

'અંધા કાનૂન'માં ગુંડાઓને મારીને એક વિશિષ્ટ અદાથી રજની સરસિગરેટ સળગાવતા હોય એવી એન્ટ્રિ તેમણે કરાવીઅનેઆખું સિનેમાગૃહ તાળીઓ-સીટીઓથી ગુંજી ઉઠતું! એટલે તેમની ફિલ્મોને બમ્બૈયા વિવેચકો મજાકમાં 'મસાલા ઢોંસા' કહેતા. પણ એ હસી કાઢતા. ડિસેમ્બર ૧૯૮૭માં 'ફિલ્મફેર'ને એક લાંબા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે પોતે એન્જિનિયર બનવા માગતા હતા. પણ ભણવામાં એક વરસની ગૅપ વાગી. ત્યારે સમય પસાર કરવા એમદ્રાસ આવ્યા, જ્યાં એમના કઝિન ટી પ્રકાશ રાવ ડાયરેક્ટર હતા. આ પ્રકાશ રાવ એટલે રાજેન્દ્ર કુમારની 'સસુરાલ' અને 'સૂરજ' તથા જયલલિતાની એક માત્ર હિન્દી ફિલ્મ 'ઇજ્જત' જેવી ફિલ્મોના દિગ્દર્શક.તેમના અસિસ્ટન્ટ બન્યા. બાકી એ તો આંધ્રના એક નાનકડા ગામ કપિલેશ્વરપુરમ્ના ખેડૂતના દીકરા હતા અને ફિલ્મોમાં કરિયર તો દૂર દૂર સુધી વિચારી પણ નહોતી. તો સિનિયર પત્રકાર અલી પીટર જહોનને માર્ચ ૧૯૯૫માં 'સ્ક્રિન'માં તેમણે આપેલા ઇન્ટરવ્યૂનું ટાઇટલ હતું 'ઓન્લી ધ ટફ ટ્રાયમ્ફ' (માત્ર મજબૂત જ જીતે છે)! તેમાં તેમણે કહ્યું હતું કે પૈસાની અને વાર્તાની તેલુગુમાં થયેલી કમાણી પોતે હિન્દીમાં વાપરતા. એમ કરવા જતાં ક્યારેક દાઝતા પણ ખરા. જેમ કે તેમણે તેલુગુમાં 'મયૂરી' બનાવી જે સફ્ળ રહી હતી. પરંતુ, હિન્દીમાં 'નાચે મયૂરી' બનાવી, ત્યારે એ એવી ના ચાલી.

'નાચે મયૂરી' અકસ્માતમાં એક પગ ગુમાવનાર નૃત્યાંગના સુધા ચંદ્રનની બાયોપિક હતી.જયપુર ફુટ સાથે પણ ભારત નાટયમ્ની પોતાની સાધના નિરંતર ચાલુ રાખનાર સુધાજીને પોતાની જીવન કથા પડદા ઉપર જીવંત કરવા બદલ ભારે પ્રશંસા મળી. પણ તે માટે રામારાવજીને કોઇ હિરોને તૈયાર કરતાં એવી તકલીફ પડી હતી કે ઇવન સુમિત સેહગલ જેવા એક્ટરે પણ એ હિરોઇન પ્રધાન પિક્ચર છોડી દીધું હતું. ત્યારે શેખર સુમને સંમતિ આપી હતી. એ જ રીતે, અમિતાભ બચ્ચનને લઈને બનાવેલી 'ઇન્કિલાબ'માં છેલ્લે હિરો મશીનગન ફાયર કરીને સંભવિત પ્રધાનમંડળના તમામ સભ્યોને મારી નાંખે છે; એ પિક્ચર પણ ના ચાલ્યું. એ માટે બે સુપરસ્ટારની હરિફાઇ પણ કારણભૂત હતી. કેમ કે રાજેશ ખન્નાને લઈનેબીજા સર્જક પણ ચૂંટાયેલા સભ્યોને હણી નાખવાની એ જ કથાવાળું પિક્ચર 'આજ કા એમએલએરામ અવતાર'ના નામે બનાવી રહ્યા હતા. બેમાંથી કોની ફિલ્મ પહેલી રિલીઝ થાય છે, તેની રીતસર રેસ લાગી હતી. નો ડાઉટ, નિયમિતતાના આગ્રહી બચ્ચનની 'ઇન્કિલાબ' પહેલી રજૂ થઈ. એ ફિલ્મના ડાયરેક્ટર તરીકે તેમણે પોતાનું મૂળનામ 'રામારાવ તતીનેની' રાખ્યું હતું. 'ટી રામારાવ' અમુક પિક્ચરમાં 'રામારાવ તતીનેની' નામ રાખીને ફિલ્મો બનાવતા. એવા એ સિનિયર સર્જકના દેહાંતથી દક્ષિણને બાકીના ભારત સાથે જોડતા એકમજબૂત 'રામ'-સેતુની વિદાય થઈ. કેમ કે એક સમયે પ્રસાદ, જેમિની અને વાસન જેવા સ્ટુડિયો તમિલ ફિલ્મોને હિન્દીમાં લાવતા. પણ તામિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનને કારણે એક તબક્કે એ પ્રવાહ બહુ ઓછો થઇ ગયો હતો. ત્યારે હિન્દી ભાષી પ્રેક્ષકોને સાઉથ સાથે મોટાપાયે કનેક્ટ કરવાની ટી. રામારાવની હિંમતનાં રોકડાં પરિણામો આજે પણ જોઇ શકાય છે, જ્યારે'બાહુબલી', 'પુષ્પા' 'આર આર આર' અને 'કેજીએફ'ની હિન્દી ડબ આવૃત્તિ કરોડોની કમાણીના વિક્રમો સર્જે છે. વંદનરાષ્ટ્રિય એકતાના એ દ્દષ્ટા સર્જક ટી. રામારાવને! તિખારો! ટી. રામારાવે, અમિતાભ બચ્ચનની કેટલીક હિટ ફિલ્મોના લેખક જાવેદ અખ્તરના શાયર પિતાને અંજલિ આપતા હોય એમ, 'અંધા કાનૂન'માં બચ્ચન સાહેબનું નામ રાખ્યું હતું... 'જાન નિસાર અખ્તર ખાન'!