Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
એક ચપટી પ્રેમ
26/03/2023 00:03 AM Send-Mail
એક વખત એક રાજા નગરચર્યા કરવા માટે છૂપાવેશે નીકળ્યો. આખ્ખાય નગરમાં દૃશ્યો જોઇને એ નિરાશ થયો અને ગુસ્સે પણ થયો. એને લાગ્યું કે એના નગરની પ્રજા સ્વાર્થી છે, એમને રાજા પ્રત્યે કે રાજય પ્રત્યે કોઇ નિસબત નથી. બસ, આ જ વાતે એ ધુંઆપુઆં થઇ ગયો અને પોતાના મનની શાંતિ માટે એ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા પોતાના ગુરુ પાસે જઇ પહોંચ્યો . પોતાનો નગરચર્યાનો અનુભવ ગુરુને જણાવવા એણે કહયુ કે મારે કંઇક તો એવું કરવું જ પડશે કે જેથી હું આ દુનિયાને બદલી શકું. રાજાને ગુરુએ બધી વાત ધ્યાનથી સાંભળી અને પછી હળવાશથી કહ્યું કે દુનિયા બદલવા કરતાં પહેલા તમે તમારી 'દષ્ટિ' બદલી જુઓ, દુનિયા આપો-આપ બદલાઇ જશે. તમારા પોતાના જ રાજય અને પ્રજા માટેનો તમારો દૃષ્ટિકોણ બદલો તો બીજું કંઇ ખાસ બદલવા જવું લાગશે નહી. રાજા હવે શાંતચિત્તે વિચારવા લાગ્યો આ વાતે મહેલ તરફ પાછા ફરતી વખતે એને દરેક વ્યકિત પોતાના કામમાં મશગૂલ જણાયા અને એ રીતે રાજા અને રાજયના શ્રમમાં યોગદાન આપતા જણાયા. ઘણીવાર નાની અમથી વાતને આપણો ખોટો દૃષ્ટિકોણ ઘણું મોટું સ્વરૂપ આપી દે છે. જીવનની નાનીસૂની તકલીફો અને ઉપાધીઓને આપણે જ વધુ મહત્વ આપીને મોટી બનાવી દેતા હોઇએ છીએ. બધું જ બદલી નાંખવાને બદલે આપણે સહુ પહેલા આપણો પોતાનો અભિગમ બદલવો જોઇએ. અભિગમ બદલાશે તો અનુભવ અને અનુભૂતિ પણ બદલાઇ જશે. જીવનમાં થોડી નિસબત થોડી સમજણ, થોડી લાગણીઓ, થોડો પ્રેમ જીવનને ઘણું સારું બનાવી શકે છે. બે મિત્રો વચ્ચે એકવાર કોઇ વાતે મતભેદ સજાર્યો. બંને વચ્ચે ઘણી દલીલબાજી થઇ અને વાત છેક અબોલા સુધી પહોંચી ગઇ. બંને એકમેકથી વિરૂદ્ઘમાં મોં ફેરવીને બેસી ગયા. થોડીવારમાં બંનેને પોતાના સોગિયા મોઢાનો કંટાળો આવવા માંડયો . બંનેએ એક સાથે જ એકબીજાની સામે જોયું. બંનેના હાથમાં એક-એક ચબરખી હતી. જેમાં એમણે એક સંદેશો લખ્યો હોત. બંનેએ બનાવટી ગુસ્સા સાથે એ ચબરખી એકમેક સામે ફેંકી. બંને જડપથી એ ચબરખી લેવા દોડયા અને વાંચવા માંડયા. એકે લખ્યું તું કે તું આમ વાંચવા માંડયા. એકે લખ્યું તું કે આમ અબોલા કરીશ તો મારે પછી ઝઘડવું કોની સાથે? બીજાએ લખ્યું તુ કે - તારું આવું પડેલું મોઢું જોઇને મને હસવું આવે છે કે પણ મારે હસવું કોની સાથે ? આ ચબરખીઓ વાંચીને બંને ભેટી પડયા અને એકમેકના ખભે હાથ મૂકીને બંનેએ ચાલવા માંડયુ. સંબંધોમાં બસ, આટલી અમથી નિસબત માત્ર જોઇતી હોય છે. સંબંધો નિભાવવા માટે કંઇ ખાસ મોટું કશું જ કરવાનું હોતું નથી. સો ગ્રામ જેટલો હળવાશનો ઝુકાવ જીંદગીને અધમણાં જેટલી ભારેખમ બનતી અટકાવી શકે છે. અરસપરસના પ્રેમનો આવો બનાવટી ગુસ્સો એ સંબંધનો સેતુ બની શકતો હોય છે. જો બંને છેડે પરસ્પરની નિસબત જીવંત હોય તો. મતભેદ અને મનભેદ વચ્ચે તફાવતની એક લીટી આવી પરસ્પરની લાગણીના લીધે સ્પષ્ટ વર્તાતી રહે એ ખુબ જરૂરી હોય છે.

એક નાનકડી છોકરી રોજ એની માતાને રસોઇ બનાવતા જોવા કરતી. વર્ષો સુધી આમ માતાને રસોઇ બનાવતી જોઇને એણે એક બાબતની નોંધ લીધી કે રસોડામાં પડેલી એક કાચની બરણી એની માતા અચુક લેતી અને પછી એની રસોઇનો સ્વાદ આખ્ખાય ઘરનું મન મોહી લેતો. એક વખત માતા થોડી બિમાર પડી ત્યારે પેલી છોકરીએ કહ્યું કે તું આરામ કર માર, આજે રસોઇ હું બનાવીશ. રસોડામાં જતાંની સાથે જ એનું ધ્યાન પેલી કાચની બરણી પર પડયું અને એને યાદ આવ્યું કે એની માતા રોજ આ બરણીમાંથી ચપટી ભરીને કાયમ રસોઇમાં કશું નાંખતી આવી છે. આજ એણે પેલી કાચની બરણી ઉતારીને ખોલીને જોયું તો એમાં એક જર્જરીત ચીઠ્ઠી હતી. છોકરીએ એ ચીઠ્ઠી વાંચી તો એમાં લખ્યું તું કે બેટા, તું જે બનાવે એમાં એક ચપટી પ્રેમ જરૂર ભેળવજે, પછી જો તું, તારી બનાવેલી રસોઇ બધાને ખૂબ ભાવશે. આ ચીઠ્ઠી છોકરીની માતાને એની માતાએ આપેલી એ વાત એને સમજાઇ ગઇ. જીવનનો એક મહત્વનો બોધપાઠ આજે એને પોતાની મા પાસેથી રસોડામાંથી શીખવા મળ્યો હતો. બસ, અદ્દલ આ જ રીતે જીવનમાં આપણી આસપાસના હર કોઇ માટે આપણે જે કંઇ પણ કરીએ એમાં એક ચપટી પ્રેમ ઉમેરવામાં કંજૂસાઇ કયારેય ન કરવી. આટલું કરીએ ન તો સંબંધો સ્વાદિષ્ટ બનશે અને એના થકી જીંદગી પણ. આપણી આસપાસ આવી કાચની બરણી હરહંમેશ રાખીએ અને સમયસર એને ખોલીને એમાંથી એક ચપટી પ્રેમ લેવાનું ન ચૂકીએ તો જીવનને એક સુંદર અવસર બનાવી શકીએ.

એકવાર એક દંપતિને ઝઘડો થઇ ગયો. પતિ દલીલોમાંથી બચવા ઊભો થઇને દાઢી કરવા માંડયો અને પતિ ગુસ્સા ભરી નજરે એને જોઇ રહી હતી. પત્નીના ચહેરાના હાવભાવ પતિ દાઢી કરતા કરતાં અરીસામાં જોઇ રહયો હતો. રઘવાટમાં ઉતાવળે દાઢી કરવામાં પતિના ગાલ પર રેઝર જરા જોરથી ઘસાઇ ગયું અને એના ગાલ પર લોહીનો ટશિયો ફૂટી નીકળ્યો. આ જોઇને પત્નીના મોઢામાંથી સિસકારો નીકળી ગયો ને એ સોફામાંથી સફાળી ઊભી થઇ ગઇ. પતિએ અરીસામાં આ પણ જોયું. એણે પાછું વળીને પત્ની સામે જોયું ત્યાં તો પત્ની પણ ઉતાવળે બે ડગલા પતિ તરફ ચાલી ગઇ'તી. બસ, પછી શું, બંનેનો ઝઘડો ત્યાં પૂરો થઇ ગયો. શાબ્દિક દલીલો બધી ખરી પડી અને બંને વચ્ચે મૌનની મહેંક પ્રસરી ગઇ. બસ, આમ થોડીક નિસબત, થોડીક સમજણ, થોડું મૌન, થોડો પ્રેમ - એટલું જ કાફી હોય છે. સંબંધોને જીવંત રાખવા માટે અસરપસરની સંવેદનાને જીવંત રાખવા માટે. અરસપરસની સંવેદનાને શબ્દોની ખાસ ગરજ હોતી નથી. એ તો એક નાનકડી ચેષ્ટાથી જ વ્યકત થઇ જતી હોય છે. ચાલો ત્યારે તપાસી જુઓ તમારો દૃષ્ટિકોણ, શોધી લો એક નાનકડી ચબરખી, હાથવગી કરી લો અને એક કાચની બરણી અને છૂટો મૂકી દો હોઠ વચ્ચે સંતાડેલો સિસકારો ને પછી જુઓ જીંદગી કેવી મજેદાર છે. Secret Key ઇવ : - તું મોડો કેમ આવ્યો ? આદમ : - તું મારી રાહ જોઇ શકેને એટલા માટે. પ્રતિભાવ : joshinikhil2007@gmail.com