Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
ચાકડો
26/03/2023 00:03 AM Send-Mail
સાવ નાનકડું ગામ. નામ 'ઇટલા' એ ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે જોડાયો ત્યારે તો કોઇ વાહનેય જતું નહિ, ચાલતાં જવું પડે. પાકી સડક પંદર માઇલ દૂર. ગામમાં કંઇ મળે નહિ. ન મળે દુકાન, દવાખાનું કે ન મળે ગામમાં સારું મકાન. મોટાભાગના ગામલોકો બાજુના સબધા ગામે મજૂરીએ જાય. ગામમાં સવારે બાળકો અને વૃદ્ઘો સિવાય કોઇ નહિ. ગામની સિકલ જોઇને ગભરામણ થયેલી. બળબળતા બપોરમાં ગામમાં, આટલું બધું ચાલીને પહોંચ્યો પણ પાણીનું પૂછનારેય કોઇ નહિ. છોકરાં ગિલ્લી-દંડો રમતાં હતાં., ત્યાં થોભ્યો. એક ઊંચા કિશોરે પૂછયું : 'કુના ત્યાં ?' મેે કહ્યું : 'અહીં, નિશાળનો સાહેબ થઇને આવ્યો છું. ' બધાં છોકરાં ભેગાં થઇ ગયાં, 'લખમણ ભૈ સાયેબ તો જયા, આ નો નવા આયા' ... એમ અંદરોઅંદર બોલતાં હતા. મેં પૂછયું - 'છોકરા ભણે છે એ જગ્યા કઇ ?' 'એ તો ચેલાભૈની ઓયડીમાં.' 'એ ચેલાભાઇ મળશે.' 'હાંજે આવશે.' 'ઇના કરતાં હેડો, મોહનભાને ત્યાં, એ બધી વાત કરશે.'- હું છોકરાં સાથે દોરાયો. એક તરફ ચક્કર ચક્કર ચાકડો ફરે. બીજી બાજુ માટી ખુંદાય. બાપ, મા, દીકરો-દીકરી બધાં વળગેલાં. દિકરી પિંડા બનાવે, મા, માટીની ગાર કરે... ડોસો ચાકડો ફેરવે.. દીકરો ઘડાયેલું વાસણ તડકે લઇ જાય. લીમડાની શીતળ છાયા. ચોખ્ખું કંચન જેવું આંગણું. આંગણે તુલસીકયારો... ચાકડાની વચ્ચે લાકડી જેવું ભરાવી ડોસો એવો તો ચાકડો ફેરવે કે મને તો બ્રહ્મા જ દેખાયા ! ખૂબ આકરા તડકાથી ત્રાસેલો જેવો હું કુંભારના આંગણે. લીમડાને છાંયે પહોંચ્યો - ને મારાથી બોલી જવાયું - 'હાશ.'

છોકરાં આગળ જઇને વધાઇ ખાતાં હતાં. કામ અધૂરું મેલી ડોસો ઊભો થયો. 'આઓ, આઓ ભૈ.' ખાટલો ઢાળ્યો. 'બેહો, ગોમમાં તો લાય વરહ સઅ..' મેં કહ્યું : 'હા, ખૂબ ગરમી છે.' 'ચ્યાંથી આબ્બું થ્યું ?' 'પાટણથી.' આ તો નવા સાયેબ આયા,' કોક છોકરું બોલ્યું. 'ઇમ ?' ડોસા ભાવુક્તાથી બોલ્યા. દીકરી ચોખ્ખા કંચન જેવા લોટામાં ઠંડું બરફ જેવું પાણી લાવી. પાણી પીતાં પીતાં હતા. હું સંસ્કારી પરિવારનો પરિવેશ જોઇ ધન્ય થઇ ગયો. ડોસી ચા લાવ્યાં. હું એ બધાંને જોતો હતો ત્યાં ડોસાએ બૂમ મારી : 'અલ્યા મૂકલા, આ તારા નવા સાયેબ ! પજે પડ...! મૂકેશ આવ્યો. પગે લાગ્યો. પછી તો એ કુંભારને ત્યાં ચા પીધી. શાક-રોટલા ખાધાં. આજે એ સ્વાદ ભૂલી શકયો નથી. પછી તો એ ગામમાં 'નવા સાયેબ' તરીકેનુ નામ બની ગયું. 'ભૈ, પેલા લખમણદા કરતાં નવા સાયેબ હારા, હોં, ઓંમ હમજે એવા..' 'ભણાવેય હારું.' 'અકસરેય હારા હાં.' આવી આવી ઉક્તિઓ ગામમાં મારા વિશે બોલાતી થઇ. એ ગામમાં એ કુંભારકાકાની સાથે એવો તો ઘરોબો બંધાઇ ગયો કે જાણે હું એમના જ ઘરનો. એ કુંભારકાકાએ ગામમાં ચેલા નાથાનું ઘર ભાડે અપાવેલું. એમની દિકરી જ માટલી મૂકી ગયેલી. હું રહેવા ગયેલો. હું બીજે દિવસે એમને માટલીના પૈસા આપતો હતો - ત્યારે એ બોલેલા: 'માસ્તર ! મું મોહન પરજાપત... આ ગોમની બાંધણી થૈ તંદારેથી આજ હુધી કોઇનીય પોહેથી માટલીનો પઇસો લીધો નથ્ય- આખું ગામ મારું ઘરાક. વારતેવારે દોણા ચાલે. મોહન કુંભારની વાત ઉપરથી એમ થતું હતું કે એ ગામ આખાના ઘરાકોને સાચવતો અને ગામ એને, સૌથ સાથે એને ભાવ. માટીનાં વાસણ ઘડવામાં એ કુશળ અડખેપડખેના ગામોમાં એનાં વાસણો જતાં. એની વાત ઉપરથી લાગતું હતું કે એને વસવાયાનું પણ ગૌરવ હતું. એ મોહન કુંભારે મને ચેલા ઠાકોરની માટીની ઓરડી અપાવવામાં, છોકરાં ભેગાં કરવામાં, નિશાળ ચલાવવામાં સહાય કરેલી. નિશાળ છૂટયા પછી હું એમને ત્યાં જ બેસતો,કારણ કે ગામમાં એમનાથી સારું કહી શકાય એવું વ્યસન વગરનું કોઇ હતું જ નહિ. મોહનકાકા એક તરફ કારીગર હતા, તો બીજી તરફ હતા. મસ્ત ભજનિક. મોહનકાકાના અવાજમાં ભજનો સાંભળવાનો પણ એક લહાવો !! 'કોણે ઘડ્યો અમર ચરખો, ઇના ઘડનારાને પરખો.' આ ભજન મને ખૂબ ગમે. એક બીજા ભજનમાં એક કડી આમ આવે- 'એ જુવાનીમાં ભાવે લાડવા, ને ઘડપણમાં ભાવે સેવ,' બળી -બળી ઘડપણ તારી ટેવ...!!' આ કડી આવે એટલે મોહનકાકાના ઘરવાળાં શકરીમા ફકફક હસવા માંડે. એક વાર મેં પૂછેલું- 'કેમ ?' એટલે કહે, 'ડોહાને સેવો હાંભરી.. !!' વળી પાછાં હસે... શકરીમા હસે એટલે ભજન સાંભળનાર બધાય હસે. સાંભળનારાં એ કડીની રાહ જોઇને જ બેઠાં હોય, એ કડી આવે ને શકરીમાના ચહેરામાં... ચાર ચાંદ !! એમના દીકરા મૂકેશને હું ભણાવું. મૂકેશ કહ્યાગરો, સમજુ. 'નવા સાયેબ' એવું કહેતાંય શરમાય. મોં પર માટીના ડાઘ. કપડાં લીરાવાળાં સાવ ભલો. ભોળોય ખરો. અભ્યાસમાં તેજ. કામઢોય ખરો ને રમતિયાળ પણ. ગામમાં કોઇને ત્યાં લગ્નપ્રસંગ હોય ત્યારે, દિવાળીના દિવસોમાં ઘેરઘેર કોડિયાં, માટલી મૂકવા બાપ-દીકરો સાથે જતા. ઘેરઘેર જાય. ઘરઘરના ભોમિયા. ગામમાં કોને ત્યાં કેટલાં ઢોર છે, કેવાં છે, શી ખોડવાળાં છે એ બધી માહિતી મોહનકાકાને ત્યાંથી તેમને મળી રહે. ઘણી વાર શકરીમા એમની દિકરી સવિતાને મારી રૂમે કચરો કાઢવા. વાસણ માંજવા મોકલતાં- સવિતા એકાદ કલાકમાં બધું જ કામ કરી જતી. ડાહી ડમરી. એક વાર મેં પૂછયું - 'તું ભણતી હો તો ?' એ શરમાઇને જતી રહી. બીજે દિવસે ન આવી. મેં ડોસાને પૂછયું -' આ સવિતાને ભણવા કેમ મોકલતા નથી ?' 'માસ્તર, હવે એ છોરીના હાથ પીળા થૈ જયા એટલે એ જાણે અને ઇનાં ઘરવાળાં જોણે -' એમના સમાજમાં પણ મોહનકાકાની જબરી પ્રતિષ્ઠા. સૌ એમના શબ્દને ન્યાય ગણતા. એ ભલા ને એમનું કામ ભલું. કોઇનાય બૂરામાં રાજી નહિ - જૂના રિવાજો એમનેય ગમતા નહોતા, પણ તોડવાની પહેલ કરવાની હિંમત એમનાં નહોતી. મોહનકાકા કયારેક આર્થિક મૂંઝવણમાં આવતા ત્યારે મને કહેતા. હું મારી શક્તિ મુજબ એમને ઊછીના પૈસા આપતો, પણ એવા નેકી કે જયારે કહયું હોય ત્યારે અચુક પરત કરી જાય. પાંચેક વરસ એ ગામમાં, એમના ઘરનો સદસ્ય થઇને જ રહેલો. મારી બદલી થઇ. હું શહેરમાં મુકાયો.મોહનકાકાનો નેડો છૂટે કેમ ? ગામના લોકો છેક સુધી વળાવવા આવેલા. અને મોહનકાકાનું આખું કુટુમ્બ જાણે પાછું વળ્યું જ નથી !! હૈયામાં ઊતરી ગયું, લોહીમાં ભળી ગયું. બસ ઊપડતાં જ મોહનકાકાની આંખ ભીની થઇ ગઇ. તેમણે એટલું જ કહેલું - 'ભાવ રાખજો, માસ્તર સાયેબ.' 'સાયેબ આવજો, આવજો સાયેબ,' ના અવાજો વચ્ચે મને ચેલા પરભુના ગાડામાં બેસાડી વળાવેલો... મેં ગાડામાં બેસીને નીચે જોયું તો મોહનકાકા બેસી પડયા હતા. એમની જોડી શકરીમાં ઊભાં હતાં. બાજુમાં સવિતા અને મૂકેશ ઊભાં ઊભાં મને ઊંચો હાથ કરી 'આવજો' કહી રહયા હતા. મને થતું હતું કે હું મોહનકાકાને મળી આવું, એમને કહી આવું : 'રડો નહિ, હું તમને જરૂર મળવા આવીશ.' ગાડું ચાલ્યું... મારીય આંખમાંથી મોહનકાકા, શકરીમા અને સવિતા-મૂકલો ટપટપ... શકરીમા અને સવિતાએ હાથે ભરેલો મોતીનો મોર મને ભેટ આપેલો... એની ઉપર મારાં આંસુ ટપટપ થયાં. શહેરમાં આવ્યા પછી થોડો વખત પત્ર દ્વારા પ્રેમભાવ રહ્યો. વખત જતાં હું મારી માયામાં.. મારા લગ્નની કંકોતરી છપાઇ ગઇ. ત્યારે મને થયું, હું મોહનકાકાના ગામમાં હોત તો !! મોહનકાકાએ એમના પંડના દીકરા જેવડો હરખ કર્યો હોત ! મેં સરનામું કર્યુ. મોહનકાકાએ કંકોતરી મોકલી લીધી.

મારે ત્યાં મારા લગ્નમાં હાથમાં લાકડી લઇને મોહનકાકા ટેકે ટેકે આવેલા. ત્યારે પણ મેં એમની પાસે પેલું 'ઘડપણ કોણે મોકલ્યું !' વાળું ભજન આગ્રહપૂર્વક ગવડાવેલું. પણ એમના અવાજમાં એ જોમ નહોતું. શિથિલતા હતી. મોહનકાકા સાવ નંખાઇ ગયેલા. અંાખે ચશ્મા : વાંકા વળી ગયેલા. મેં ત્યારે પૂછેલું : 'શું કરે છે મૂકેશ ?' 'ભણે છે ભૈં, પાંચ વરહથી મેટરિકમાંથી નેંહરતો જ નથી.' 'અને સવિતા?' 'ઇના, ઘેર, આણું કરી દીધું.' 'શકરીમા ?' ઊંચો હાથ કરી કહે : 'ભગવાનને ઘેર!' 'ંકઇ થયેલું ?' 'પેટમાં કોંક દરદ થતું' તું.. હોજાના દાકતરને બતાયું... દવાઓ કરાઇ. ઘણુંય કર્યુ... દરદાગીના બધુંય જયું.. ઘરેય ચેલા ઠાકોરે લસી લીધું..' 'તમારાથી હવે તો કામબામેય નહિ થતું હોય !' 'એવું, અવે, અવસ્થા થૈન. આંસ્યે હૂઝયે નૈ. હાચું કૌ ? માસ્તર... ગોમેય ગોમ રયુ નથી... હવે તો વહવાયાને કોઇ દોણાય આલવામાં હમજે નૈ... કોડિયાં, માટલાં લોક મૂંઉ લે નહિ, વીજળી આઇ જૈ... પોહાય નૈ...મેલી દીધું બધું... ગોમમાં તું કોણ, મુ કોણનો વેવાર થૈ જ્યો.. મોથે દેવાનો ઢગ.. 'માસ્તર એક કોના ના કરો ?' 'શું?' મેં પીઠી ચોળાવતાં ચોળાવતાં પૂછેલું. 'મારા મૂકલાને ભણાબ્બો નથી. આ મારો ધંધો એ નૈ કરે ઇમાં ઇનું પૂરુંય નૈ થાય. ઇને પૈણાઇ દૌ એટલે છૂટ્ટો.પણ કાંક પૈસા લાવે એવી હલકીપાતળી નોકરી ના હોધી આલો ?' મોહનકાકાએ એમની આથી કથની મને માંડીને કરેલી. મારા લગ્નન આગલા દિવસે એ વાત કરતાં કરતાં ગળગળા થઇ ગયેલા. શકરીના મૃત્યુ પછી સાવ ભાંગી પડેલા. માનભંગ થઇ ગયેલા એટલે વધારે ઓછું આવેલું. રહી -સહી આશા એમનો દીકરો મૂકેશ હતો.એટલે મેં એ વખતે તો એમ કહ્યું - 'સારું, હું જોઇ..' મોહનકાકાને ડિલે તાવ. જાન નીકળી. ઘરવાળાંએ કહયું- 'ડોહાને નથી લઇ જવા.' ડોહા માને નહિ. આખરે મેં ડોહાને સમજાવ્યા. તેમણે ગજવામાંથી રાણી છાપના બે રૂપિયા મારા બાપાને આપ્યા. ' આ હાથ ગૈણું.' 'ના હોય !' મેં કહયું. મોહનકાકા રડી પડયા એટલે મેં એ રૂપિયા રાખી લીધા. પછી હું પરણવા ઊપડયો ને મોહનકાકા લાકડીને ટેકે ટેકે જતા રહયા. એમને જતા હું જોઇ રહ્યો. તેઓ વળીવળીને કહેતા હતા : ' માસ્તર,સુખી થજે ભૈ, આવજે હોં... ને મારા મૂકલા માટે ચ્યાંક.... મારો નવો ઘરસંસાર શરૂ થયો. પત્નીને લઇને હું શહેરમાં નોકરીએ ગયો. શહેરની ધમાલે મનેય વેતરી લીધો. મોહનકાકા કયારેક યાદ આવે પણ મળવા જવાય નહિ. પત્ર લખું પણ જવાબ મળે નહિ. ઉનાળામાં માટલી ખરીદતાં એમને યાદ કરીએ પણ આ વખતે તો ફ્રીજ લાવ્યો ને મને મોહનકાકા યાદ આવ્યા. 'ફ્રીજના પાણી કરતાં મોહનકાકાની માટલીનું પાણી ઓછું ઠંડું નહોતું, મેં પત્નીને કહયું. પત્નીએ ઉત્તર આપ્યો - 'કોક દાડે તો લઇ જાઓ.' ફરી કાગળ લખ્યો, જવાબ નહિ. એક વેકેશનમાં એમના ગામ જવા નીકળ્યો. સાથે પત્ની. રસ્તામાં ખૂબ વાતો કરી. મોહનકાકાને ખૂબ યાદ કર્યા. ગામ બદલા ગયેલું.. પાકી સડક.. વીજળી.. ઘર પાકાં.... જઇને જોઉં તો ન મળે મોહનકાકા કે ન મળે એમનું ઘર. મેં કોઇને પૂછયું : 'મોહનકાકા?' 'ઇમની તો ડગરી ચહકી જૈ, ચ્યારના ગોમેગોમ ફરતા રહે છે, ભમી જ્યુ-ચિત્તભરમ.. ઇમનો છોરો મૂકલો પૈણ્યા ચેડી એ ગોંડા થૈ જ્યા..' 'અહી એમનું કોઇ નથી ?' 'કોના ના મળે ' - એક મજૂરે કહયું : ચેલા ઠાકોરને મળ્યો. એણે ઘર લખી લીધેલું. એણે મને ઓળખ્યો. બોલાવ્યો. એના આંગણે બેઠો. ચેલા ઠાકોરના છાપરે મોહનકાકાનો તૂટેલો ચાકડો પડયો હતો... 'મોહનકાકાની કોઇ ભાળ ? ' 'ગાંડા મોણહની હું ભાળ ? આજે ઓંય તો કાલે ત્યાં... ' 'મૂકેશ ?' 'એ તો ઇની બૈરીને લઇ સુરત હીરા ઘસવા જ્યો.' 'છે સરનામું ? ' 'ના, મારાય પૈસા લઇ જ્યો સે...' મોહનકાકાને કયાં શોધવા ? નિરાશ થઇ પત્ની સાથે પાછો નોકરીના સ્થળે આવ્યો. થોડાક દિવસો તો એમની યાદ સતાવતી જ રહી. એક વાર શહેરમાં ફરવા નીકળેલો. સ્ટેશને એક ટોળું જામેલું. લોકો 'ગાંડો ગાંડો' કહેતા હતા. હુંય એમાં ભળ્યો. ફૂટપાથ ઉપર હાડકાંના માળા જેવો ડોસો. સાવ દયાપાત્ર. એક કુલડી, એક માટલી, એક ગોદડી એ એની માયા. વારે ઘડીએ હાથ ફેરવ્યા કરે. લોકો 'ગાંડો ગાંડો 'કહી ચીડવે.. ભજન ગાય... 'કુણે બનાવ્યો... અમર ચરખો...' 'ઘડપણ કોણે મોકલ્યું ? ' શબ્દો કાને પડતાં હું બધાંને હટાવી એમની પાસે પહોંચી ગયો. મેં પૂછયું : 'મોહનકાકા! તમે? 'કુણ ? માસ્તર ? મને તરત ઓળખી કાઢયો. એ રડી પડયા. મૂકેશનાં - સવિતાનાં ખબર-અંતર મેં જાણી-જોઇને ન પૂછયાં. હું અંદરથી હલી ગયો. મેં કહ્યું : 'કાકા.. આ શું થૈ ગ્યું ?' મોહનકાકા ઊંચે જોઇ ડાહ્યા માણસની જેમ હાથ ફેરવી મને કહે : 'કોઇ નૈ, માસ્તર ! મારો ચાકડો અવળો ફર્યો.' (નવનીત-સમર્પણ)