આણંદમાં પ૦ વર્ષથી વધુ વયના બે આધેડને કોરોના પોઝિટિવ, કુલ ૧ર એકિટવ કેસ
જિલ્લામાં ૮૪ દિવસમાં પોઝિટિવના ર૩ કેસ નોંધાયા
આણંદ શહેરમાં આજે પ૦થી પપ વર્ષની વય વચ્ચેના બે આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે જિલ્લામાં હાલ કુલ ૧ર એકિટવ કેસ છે. જે પૈકી ર હોસ્પિટલમાં અને ૧૦ હોમ આઇસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે.
આણંદ જિલ્લામાં જાન્યુઆરી-ર૦ર૩થી કોરોના સંક્રમણની ધીમી ગતિથી શરુઆત થઇ હતી. શરુઆતના તબકકામાં ખાસ કરીને વિદેશથી આવેલા અને એરપોર્ટ પર કરાતા ટેસ્ટીંગમાં કોરોના પોઝિીટવનો રિપોર્ટ આવતો હતો. જેઓને તેમના વતનના ગામમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવતા હતા. ત્યારબાદ થોડો સમય કોરોના અટકયા બાદ છેલ્લા પખવાડિયા ઉપરાંતના સમયથી લોકલ સંક્રમણના કારણે પુન: પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે.
જાન્યુ.ર૦ર૩થી આજે રપ માર્ચ સુધીમાં જિલ્લામાં કુલ ર૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ એકિટવ ૧રમાંથી આણંદ તાલુકાના ૮ તથા બોરસદ, ખંભાત, પેટલાદ અને ઉમરેઠ તાલુકામાં ૧-૧ એક્ટિવ કેસ છે.
બેવડી ઋતુની ખાસ કરીને વયસ્કોને વધુ અસર થઇ રહ્યાનું જોવા મળે છે. તેમાં વાયરલ ફીવર, ખાંસીના વધુ દર્દીઓ દવાખાને સારવાર મેળવવા પહોંચી રહ્યા છે. આજે જિલ્લાના સરકારી દવાખાનાઓમાં ઓપીડીમાં ર૩૧૯ કેસ નોંધાયા હતા. આજે દિવસ દરમ્યાન ૧ર૭
લોકોના આરટીપીસીઆર ટેસ્ટ અને ૬૮ લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.