પેટલાદ : પાલિકા દ્વારા બાકી બીલ ન ભરાતા વીજ તંત્રએ કનેકશન કાપતા કેટલાક વિસ્તારોના માર્ગો પર અંધારપટ
વોટર પ્લાન્ટ, ગટર અને સુએઝ પ્લાન્ટના ર.૮૦ કરોડના બાકી બીલ અંગે વીજ તંત્રએ ઉઘરાણી કરી હતી
આણંદ જિલ્લાની મોટાભાગની પાલિકાઓમાં લાખો-કરોડોના બાકી વીજ બીલ વસૂલવા માટે હવે એમજીવીસીએલ દ્વારા વોટર પ્લાન્ટ અને સ્ટ્રીટ લાઇટોના કનેકશન કાપવાની કવાયત હાથ ધરી છે. જે પાલિકામાં આ પ્રકારે કનેકશન કપાયા છે ત્યાં સ્થાનિકો દ્વારા પાલિકાના વહીવટ સામે માછલાં ધોવાઇ રહ્યા છે. જેથી પાલિકાના સત્તાધીશો યેનકેન પ્રકારે વીજ કનેકશનના પુન: જોડાણ માટે પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનામાં પેટલાદ નગરપાલિકાનો પણ સમાવેશ થયો છે.
જાણવા મળ્યાનુસાર પેટલાદ નગરપાલિકાના વોટર પ્લાન્ટ, ગટર અને સુએઝ પ્લાન્ટનું આશરે ર.૮૦ કરોડનું વીજ બીલ બાકી છે. જેની ચૂકવણી માટે વીજ તંત્ર દ્વારા અવારનવાર પાલિકાને સૂચના આપવા છતાંયે બીલ ચૂકતે કરાયા નહતા. જેથી વીજ તંત્ર દ્વારા તાજેતરમાં આખરી ચીમકી આપી હતી અને આજે શહેરના કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટલાઇટોના કનેકશન કાપ્યા હતા. જેના કારણે સાંજ પડતાં જ આ વિસ્તારના માર્ગો પર અંધારપટ છવાઇ જતા સ્થાનિકોને અવરજવરમાં પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
આધારભૂત સૂત્રોનુસાર પાલિકાના શહેરભરમાં કુલ ર૧ પૈકી વીજ તંત્ર દ્વારા માત્ર ર મીટર જ કાપવામાં આવ્યા છે. જેથી શહેરના સાંઇનાથ રોડ, સાંઇનાથ સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. પેટલાદ પાલિકામાં રાજય સરકાર દ્વારા નિયુકત કરાયેલ ચીફ ઓફિસરે હજી સુધી ચાર્જ સંભાળ્યો નથી. આથી બોરસદ પાલિકાના ચીફ ઓફિસરને પેટલાદનો ચાર્જ સોંપાયો છે. આથી વીજ તંત્રના બાકી બીલ ચૂકવણી માટે જરુરી નિર્ણય લેવા સહિતની બાબતે વિલંબ થઇ રહ્યાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.