કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ
વહેલી સવારે કેનાલમાં ગાબડું સર્જાતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા
મહેમદાવાદના કરોલી ગામની સીમમાં આવેલ કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેથી આશરે ૬૦ વીઘાથી વધુમાં રહેલા પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
કરોલીના હર્ષદપુરા સીમ વિસ્તારમાંંથી પસાર થતી કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં અફડાતફડી મચી ગઈ હતી. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોએ કરેલા પાકોમાં બાજરી, જાર, ઘઉં, દિવેલા, તમાકુ સહિતના ઊભા પાકને નુકસાન થયું છે. મસમોટું ગાબડું પડતા કેનાલના ઈજનેરો સહિત સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા. ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક પલળી જતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તંત્રની ભૂલના કારણે થયેલ પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરી હતી. ત્યારે તંત્ર શું કામગીરી કરશે તે જોવું રહ્યું.