અલારસાના શખ્સે ગ્રાહકો પાસેથી ૧.૪૮ લાખની રકમ મેળવીને વસ્તુઓ નહીં આપી કરી છેતરપીંડી
વન શોપ ડીલ્સમાં નોકરી કરતા જૈમીન ધોળકિયાની છેતરપીંડી બહાર આવતાં માલિક દ્વારા ફરિયાદ
બોરસદ તાલુકાના અલારસા ગામે રહેતા એક શખ્સે વન શોપ ડીલ્સ નામની ઓનલાઈન શોપીંગની ઓફિસમાં નોકરી કરવા દરમ્યાન પાંચ ગ્રાહકો પાસેથી ૧.૪૮ લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં મંગાવી લઈને બાદમાં તેમને વસ્તુઓ નહી ંઆપીને છેતરપીંડી કરતા આ અંગે આણદનાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર વિદ્યાનગર ખાતે રહેતા ચિન્મય દેવેન્દ્રકુમાર જોષીની વિદ્યાનગર રોડ ઉપર આવેલા મારૂતી સંકલ્પ કોમ્પલેક્ષમાં વન સ્ટોપ ડીલ્સ નામની ઓનલાઈન શોપીંગની ઓફિસ આવેલી છે. જેમાં છેલ્લા એક વર્ષથી નોકરીમાં અલારસા ગામના જૈમીન દિપકકુમાર ધોળકિયાને રાખવામાં આવ્યો હતો. જે કસ્ટમર કેર નંબર અને વેબસાઈટ પણ સંભાળતો હતો. કસ્ટમર સાથે તે જ વાતચીત કરીને જે કોઈ વસ્તુઓ મંગાવે તેનું ઓનલાઈન પેમેન્ટ મેળવીને વસ્તુઓ પહોંચાડવાની કામગીરી કરવામાં આવતી હતી.
છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોને સમય મર્યાદામાં વસ્તુઓ નહીં મળતી હોવાનું તેમજ તે ઓર્ડર નોટ્સ નહીં લખતો હોવાનું અને અનિયમિતતાને કારણે ખોટા ઈન્ટરનેશનલ ટ્રેકીંગ આવવા માંડ્યા હતા. જેથી ચિન્મયભાઈએ તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને જાતે ડીલ કરવા લાગતાં ઘણી બધી ફરિયાદો મળી હતી. જેમાં પાંચ ગ્રાહકોના પૈસા તેણે પોતાના એકાઉન્ટમાં તેમજ ગુગલ પે મારફતે મંગાવીને તેઓની માંગ્યા મુજબની વસ્તુઓ નહીં મોકલી આપ્યાનું ખુલવા પામ્યું હતુ જેથી તેમણે આણંદના સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.