જૂન ૨૦૧૯માં અતીકને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો
અતીક અહેમદને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પ્રયાગરાજ લઈ જવા ઉત્તર પ્રદેશ પોલીસ રવાના
ઉમેશ પાલની હત્યા પહેલા અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી વોટ્સએપ મારફત પોતાના સાગરીતોના સંપર્કમાં રહેતો હતો
૨૪મી માર્ચ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિતની જેલોમાં ગુજરાતના ગૃહવિભાગે એકસામટું સર્ચ ઓપરેશન કર્યુ હતું. ત્યારે તેની પાછળ અતીકની શંકાસ્પદ એકિટવિટીને માનવામાં આવી હતી. ત્યારે આજે યુપી પોલીસ સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી હતી. સાબરમતી જેલમાં જેલવાસ ભોગવતા અતીક અહેમદની યુપી પોલીસ પૂછપરછ કરશે. યુપીના અગાઉના ગુનામાં પૂછપરછ કરશે તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. સંભવત: પૂછપરછ બાદ અતીક અહેમદને યુપી પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને યુપી લઇ જવાયો છે. કહેવાય છે કે ઉમેશ પાલની હત્યા પહેલા અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી વોટ્સએપ મારફત પોતાના સાગરીતોના સંપર્કમાં રહેતો હતો. અતીકને અમદાવાદથી પ્રિઝનરવાનમાં યુપી લઇ જવાશે અને આ સફર ૩૬ કલાકની રહેશે જે પોલીસ માટે પડકારરૂપ બની રહેશે.
સાબરમતી જેલમાં રહેલ કુખ્યાત અતીક અહેમદની પૂછપરછ માટે આજે સવારે યુપી પોલીસ સેન્ટ્રલ જેલ પહોંચી હતી. ૪૦થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. સેન્ટ્રલ જેલ પહોંચીને અતીક અહેમદને યુપી લઇ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુપી પોલીસ કોર્ટમાં રજૂ કરવા અતીકને લેવા પહોંચી મળતી માહિતી મુજબ ૨૦૦૭માં અતીક અહેમદ વિરૂદ્ઘમાં ખંડણી અને રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો. જે મામલે બુધવારે સુનાવણી થવાની છે સુનાવણીને લઇને કોર્ટ અતીક અહેમદને હાજર રહેવા આદેશ કર્યો છે. જેથી યુપીની પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદને લઇ જવા અહીં પહોચંી છે. ઉમેશ પાલની હત્યામાં પણ અતીક અહેમદની સંડોવણી હતી, જેથી અતીકની તે કેસમાં યુપીથી ધરપકડ કરવામાં આવી શકે છે.
જૂન ૨૦૧૯માં અતીકને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૨૨ એપ્રિલ ૨૦૧૯ના રોજ આદેશ આપ્યો હતો કે અતીકને દેવરિયા જેલમાંથી ગુજરાતની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડવામાં આવે. અતીક પર રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ અને હૂમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.
યુપીના ઉમેશ પાલ હત્યાકાંડમાં ત્રણ મોટા ખુલાસા થયા છે. એક પ્રયાગરાજમાં ઉમેશની હત્યા માટે ૬ નહી, ૧૩ શૂટર પહોંચ્યા હતા. તેમાંથી ૭ પાછળથી રાહ જોઇ રહયા હતા. બીજો - હત્યાનું કાવતરું મુસ્લિમ હોસ્ટેલમાં ઘડવામાં આવ્યું હતું. ત્રીજો - કાવતરામાં મુખ્ય ભૂમિકા અમદાવાદની સાબરમતી જેલમાં કેદ અતીક અહેમદ અને તેનો ભાઇ અશરફની હતી. અશરફ બરેલીની જેલમાં કેદ છે. જેમાં રહીને જ બંને વોટ્સએપ કોલ દ્વારા જ પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતા હતા.
આ ખુલાસો અલ્હાબાદ હાઇકોર્ટનો વકીલ અને હત્યામાં સામેલ સદાકતખાને પૂછપરછ દરમિયાન કર્યો છે. પ્રયાગરાજના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સદાકતની એસટીએફએ ગોરખપુરથી ધરપકડ કરી હતી. સદાકત અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ બોર્ડિગ હોસ્ટેલના રૂમમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. આ જ રૂમમાં ઉમેશ પાલની હત્યા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.