ભારતના ખાતમાં ચાર ગોલ્ડ મેડલ
લવલિના અને નીખત ઝરીને પણ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક-એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો
-મેરી કોમ બાદ નિખત ઝરીન બીજી ભારતીય જેણે વર્લ્ડ બોક્સિંગમાં સતત બીજો ગો૯ડ જીત્યો -લવલિના ૭૫ કિગ્રામાં પ્રથમ વખત ચેમ્પિયન બની
મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને ચાર ગોલ્ડ મેડલ મળ્યા છે. લોવલિના બોર્ગોહને ૭૦-૭૫ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે ચોથો ગોલ્ડ મેડલ ઉમેર્યો. તે પહેલા નીખત ઝરીને ૪૮-૫૦ કિગ્રામાં, નીતુ ઘણઘસે ૪૫-૪૮ કિગ્રામાં અને સ્વીટી બૂરાએ ૭૫-૮૧ કિગ્રામાં ગોલ્ડ જીત્યો હતો.
લવલીનાએ ૭૦-૭૫ કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની બોકસર કેટલીન એન પાર્કરને હરાવી હતી. આ મેચમાં બંને ખેલાડીઅ વચ્ચે જોરદાર લડાઇ જોવા મળી હતી. લવલીનાએ પ્રથમ રાઉન્ડમાં ૩-૨ના માર્જિન સાથે જીત મેળવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ બીજા રાઉન્ડમાં જીત મેળવી હતી. ત્રીજા અને છેલ્લા રાઉન્ડમાં બંને વચ્ચે ઘનિષ્ઠ મુકાબલો થયો અને અંતે મેચનું પરિણામ સમીક્ષા માટે ગયું. તમામ નિર્ણાયકોએ મળીને લવલીનાને વિજેતા જાહેર કરી હતી. આ સાથે દેશને આ સ્પર્ધામાં ચોથો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સ્પર્ધામાં ભારતની જોળીમાં કુલ ચાર ગોલ્ડ મેડલ આવ્યા છે.
નિખત ઝરીને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે ફાઇનલમાં વિયેતનામની નગુયેન થી ટેમન હરાવી. નિખત પાસેથી પહેલાથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી અને તેણે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી દેશ માટે મેડલ જીત્યો છે. ફાઇનલ મેચમાં નિખતે શરુઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તેણે પ્રથમ રાઉન્ડમાં ૫-૦ની લીડ મેળવી હતી. આ પછી તેણે બીજા રાઉન્ડમાં પણ પોતાની લીડ જારી રાખી હતી. ત્રીજા રાઉન્ડમાં, તેણીએ વિયેતનામી બોકસર પર શકિતશાળી મુક્કા માર્યા. આ પછી, રેફરીએ વિયેતનામની બોકસરની સ્થિતિ વિશે પૂછવા માટે મેચ અટકાવી દીધી હતી. નિખતની જીત અહીંથી નક્કી થઇ ગઇ હતી. અંતે, તેણે ૫-૦ના માર્જિન સાથે મેચ જીતી અને સતત બીજી વખત બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી.