રાહુલે ટ્વિટર પર પોતાને ડિસકવાલિફાઇડ સાંસદ લખ્યું, પ્રિયંકાએ દેશના વડાપ્રધાનને કાયર કહ્યા
કોર્ટના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ દ્વરા સત્યાગ્રહના નામે કટ્ટરતા : ભાજપ
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાના વિરોધમાં કોંગ્રેસે રવિવારે દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહનું આયોજન કર્યુ હતું. પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન જેવા મોટા નેતાઓ વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા હતા. પોલીસે અહી કલમ ૧૪૪ લાગુ કરી હતી, પરંતુ તેમ છતાં નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતા. બીજી તરફ રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો હતો. તેમણે હવે પોતાને ગેરલાયક સાંસદ લખાવ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજ સુધી અમે મૌન રહ્યા, તેથી તમે અમારા પરિવારનું અપમાન કરતા રહયા. મારે પૂછવું છે કે તમે એક માણસનું કેટલું અપમાન કરશો. મારી સામે કેસ કરો, પરંતુ સત્ય એ છે કે આ દેશના વડાપ્રધાન કાયર છે. આ સમગ્ર મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહયું કે રસ્સી જલ ગઇ લેકિન બલ નહીં ગયા.
૨૪ માર્ચ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા હતા. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા. માનહાનિના કેસમાં રાહુલને બે વર્ષની સજા થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ૨૦૧૯માં રાહુલે કર્ણાટકની વિધાનસભામાં મોદી સરનેમને લઇને નિવેદન આપ્યું હતું.
સત્યાગ્રહ દરમિયાન પ્રિયંકાના નિવેદનો સામે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહયું કે રાહુલના સાંસદ કાયદા મુજબ ગયા છે. કોંગ્રેસ કોર્ટના નિર્ણયના વિરોધમાં જ સત્યાગ્રહ કરી રહી છે. આ સત્યાગ્રહના નામે કટ્ટરતા છે. ગાંધી પરિવાર પોતાને કાયદાથી ઉપર માને છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહયું કે રાહુલે પહેલા ચોર કહીને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો. જયારે કોર્ટે તેમને આ અંગે માફી માંગવા કહ્યું. તો તેમણે માફી માંગી ન હતી. તે તેમનો ઘમંડ દર્શાવે છે.