કણજરીથી આણંદમાં એન્ટ્રી સુધીનો દાંડી માર્ગ દોઢ વર્ષથી ગોથે ચઢયો!
ભૂમેલ ઓવરબ્રીજથી આણંદમાં સંકેત ચોકડી સુધીના ૮ પૈકી ૩.પ કિ.મી.નું ડામર કામ કર્યા બાદ કામગીરી અધૂરી છોડાઇ : ૧પ એપ્રિલ,ર૦રર સુધીમાં આ માર્ગની કામગીરી પૂર્ણ કરવાની શરત સાથે ૧૪ સપ્ટે.ર૦ર૧ના રોજ કોન્ટ્રાકટરને ને.હા.ડિવિઝન, વડોદરાએ પત્ર પાઠવ્યો હતો
ર૪ મીટર પહોળાઇના દાંડી માર્ગમાં વચ્ચે ૧૦ મીટરનો ડામર રોડ બનશે
દાંડી માર્ગ પરના બોરીયાવી જંકશન નેશનલ હાઇવે ૪૮થી આણંદમાં ઝાયડસ હોસ્પિટલ સુધીનો ર૪ મીટર પહોળો દાંડી માર્ગ બનાવવામાં આવશે. જેમાં વચ્ચે ૧૦ મીટરનો ડામર રોડ બનશે. ડામર રોડની બંને બાજુની જગ્યામાં પાર્કિગ, ગટર-પાણીની લાઇન, લાઇટના પોલ સહિતનું આયોજન કરાશે. આણંદમાં એન્ટ્રી સુધીની દાંડી માર્ગની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાંથી પસાર થઇને બોરસદ ચોકડીએથી આગળ જતા દાંડી માર્ગ બનાવવા અંગેનું આયોજન હાથ ધરાશે તેમ પણ જાણવા મળે છે.
હવે પુન: પ્રકિયામાં દોઢેક વર્ષ લાગશે ...
દાંડી માર્ગની કામગીરી સાથે સંકળાયેલા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, બોરીયાવી જંકશન નેશનલ હાઇવે નં.૪૮થી આણંદની ઝાયડસ હોસ્પિટલ સુધીના દાંડી માર્ગ બનાવવાની પ્રકિયા પુન: હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ બાબત માત્ર એક જિલ્લા પૂરતી નહીં પરંતુ દાંડી માર્ગ પરના તમામ જિલ્લાને સાંકળતી હોવાથી રાજય-કેન્દ્ર સ્તરેથી લેવાતા નિર્ણય મુજબ આયોજન કરવામાં આવે છે. આથી બોરીયાવીથી આણંદ સુધીના દાંડી માર્ગની કામગીરી શરુ થઇને પૂર્ણ થવામાં સંભવત દોઢેક વર્ષનો સમય લાગી શકે છે. જેમાં ઓનલાઇન કોન્ટ્રાકટ આપ્યા બાદ સમગ્ર કામગીરી પર રાજયસ્તરેથી મોનેટરીંગ કરવામાં આવતું હોય છે. જિલ્લાસ્તરેથી માત્ર સૂચનાઓનું પાલન ઉપરાંત કયાંક કામગીરીમાં અવરોધ આવે તો તેના નિકાલની જવાબદારી રહે છે.
ખેડા જિલ્લાના ભૂમેલથી આણંદ જિલ્લામાં પ્રવેશ થતા અને ત્યાંથી આણંદમાં સંકેત ચોકડી સુધીના આશરે ૮ કિ.મી.ના દાંડી માર્ગને ડામર કામ માટે ગત ઓકટો.ર૦ર૧માં કોન્ટ્રાકટરને કામ આપવામંા આવ્યું હતું. આ દાંડી માર્ગની કામગીરી ૬ માસમાં એટલે કે એપ્રિલ,ર૦રર સુધીમાં પૂર્ણ કરવાની શરતનો કોન્ટ્રાકટમાં લેખિત નિર્દેશ કરાયો હતો. પરંતુ માંડ ૩.પ કિ.મી. માર્ગનું ડામર કામ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી કામગીરી અધૂરી છોડી દેવાઇ છે. જેના કારણે ઉબડખાબડ માર્ગ પરથી પસાર થવામાં નાના, મોટા વાહનચાલકોને પારાવાર પરેશાની ભોગવવી પડી રહી છે.
મીઠાના સત્યાગ્રહ તરીકે જાણીતી પૂ. મહાત્મા ગાંધીની દાંડી યાત્રાના અનેક સંસ્મરણો ચરોતર સાથે જોડાયેલા છે. અમદાવાદથી આરંભાયેલી દાંડી યાત્રા ખેડા, આણંદ જિલ્લામાંથી પસાર થઇ હતી. પૂ.ગાંધીજી સહિત પદયાત્રીઓ જે માર્ગ પરથી પસાર થયા હતા તે દાંડી માર્ગને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.
જેમાં ખેડા જિલ્લાના ભુમેલ ઓવરબ્રીજ નીચેથી કણજરી થઇને બોરીયાવી, લાંભવેલથી આણંદમાં દાંડી માર્ગ પ્રવેશે છે. આ માર્ગને ડામરકામ કરવા માટે અપાયેલ કોન્ટ્રાકટ સમયમર્યાદામાં પૂરો કરાયો નથી. જો કે સમગ્ર મામલે નેશનલ હાઇવે ડિવિઝન, વડોદરા દ્વારા રાજય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગમાં અહેવાલ મોકલી અપાયો છે. પરંતુ અધૂરી કામગીરી હોવાને એક વર્ષનો સમય વીતવા છતાંયે પુન: નવેસરથી કામ શરુ કરવા મામલે તંત્ર દ્વારા નકકર પગલાં લેવામાં આવી ન રહ્યાનો ચિતાર જોવા મળે છે.
નોંધનીય બાબત એ છે કે બોરીયાવીથી લાંભવેલ અને આણંદમાં એન્ટ્રી સુધીના દાંડી માર્ગ પર ઠેકઠેકાણે નાના-મોટા ખાડા જોવા મળે છે. આ માર્ગનું નવીનીકરણ તો ઠીક પરંતુ ખાડા પૂરીને સાદું ડામરકામ કરવામાં આવે તો પણ નાના, મોટા વાહનોને અવરજવરમાં સરળતા રહે તેમ વાહનચાલકો જણાવી રહ્યા છે.