આણંદ-ખેડા જિલ્લામાં નીલ ગાયોના વધતા ઉપદ્રવથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો પરેશાન
બોરસદ તાલુકાના સરપંચો દ્વારા પ માસ અગાઉ કૃષિ મંત્રીને રજૂઆત છતાંયે નકકર કાર્યવાહી નહીં
સરપંચોને નીલગાયનો શિકાર કરવાની છૂટ અપાઈ છે : વન વિભાગ
આણંદ વન વિભાગના સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે નીલગાયોના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે સરપંચોને નીલગાયનો શિકાર કરવાની છૂટ અપાઈ છે. તદ્ઉપરાંત ખેડૂતોને ફેેન્સીંગની વાડ કરવા માટે પણ સહાય ચૂકવવામાં આવે છે.
સરકાર દ્વારા રોઝ, ભૂંડના ત્રાસમાંથી છૂટકારો અપાવવો જરૂરી છે: કિરણભાઈ પટેલ,રાસ
બોરસદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રોઝ અને ભૂંડના વધી ગયેલ ત્રાસથી તાલુકાના ખેડૂતો ભારે પરેશાન છે. પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે પાંચેક માસ અગાઉ બોરસદ તાલુકાના સરપંચોએ સામુહિક રીતે કૃષિ મંત્રીને રજૂઆત કરી હોવાનું રાસના ખેડૂત આગેવાન કિરણભાઈ લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિ મંત્રીને રજૂઆત કર્યાને પાંચ માસ ઉપરાંતનો સમય થવા આવ્યો હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. હાલની તમાકુની સીઝનમાં ખેતરમાં ટોળા બંધ આવતી નીલગાયોથી તમાકુના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે સરકાર ખેડૂતોના ખાતામાં દર ચાર માસે રૂપિયા બે હજાર જમા નહિ કરાવે તો ચાલશે પણ નીલગાયો અંતે ભૂંડના ત્રાસમાંથી ખેડૂતોને છુટકારો અપાવવો જરૂરી બન્યો છે.
ચરોતર પંથકમાં નીલ ગાયોના વધતા-જતા ત્રાસથી ખેતરોના ઉભા પાકને થતી નુકસાનીથી ખેડૂતો આર્થિક નુકસાની સાથે પરેશાની ભોગવી રહ્યા છે નીલ ગાયોના ત્રાસમાંથી છૂટકારો મેળવવા બોરસદ પંથકના ખેડૂતોએ પાંચ માસ અગાઉ કૃષિ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેતા ખેડૂતો પરેશાની વેઠી રહ્યા છે.
ચરોતર પંથકમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વન્યપ્રાણી નીલગાય (રોઝ)ની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.ે ખોરાક માટે ઝૂંડમાં ઉભા ખેતીપાકમાં ત્રાટકતી નીલ ગાયોને ખેડૂતો પણ ભગાડી શકતા નથી. ટોળા બંધ ખેતરમાં આવતા નીલગાયોથી ખેતી પાકોનું ભેલાણ કરવામાં આવે છે. જેમાં તમાકુ જેવા ખેતી પાકોમાં ૨૦થી ૨૫ના ટોળામાં આવતી નીલગાયો માત્ર ખેતરમાંથી પસાર થાય તો પણ મોટું આર્થિક નુકસાન ખેડૂતોને થાય છે.
નીલગાયો અને ભૂંડનો ત્રાસ મોટાભાગના ચરોતર પંથકમાં છે. નડિયાદ તાલુકાના ઉતરસંડા, ફતેપુરા, વનીપુરા, નરસંડા વગેરેના પાંચથી દસ કિ.મી.ના વિસ્તારમાં નીલગાયોની સંખ્યા અતિશય વધી ગઈ હોઈ ખેતી પાકોને થતુ નુકસાન ટાળવા ખેડૂતોને રાત્રિના ઉજાગરા કરવાની નોબત આવી છે. આ વિસ્તારમાં નીલગાયોના ઝૂંડમાં એક કાળા રંગનો નર રોઝને ભગાડવો એ ખેડૂતો માટે મોતને આમંત્રણ આપવા બરાબર બન્યું છે. જયારે બોરસદ તાલુકાના કાંઠા ગાળાના ગામોમાં નીલ ગાયોનો ત્રાસ વધી જતા તાલુકાના ગામોના સરપંચોએ પાંચ માસ અગાઉ સામુહિક રીતે કૃષિ મંત્રીને નીલગાય અને ભૂંડના ત્રાસમાંથી ખેડૂતોને છૂટકારો અપાવવાની રજૂઆત કરી હતી.
કાંઠા ગાળાના ગામોમાં હાલની તમાકુની કાપણીની સીઝનમાં ખેતરમાંથી પસાર થતા નીલગાયોના ટોળામાંથી ખેતરમાં સુકવવા માટે રાખેલ તમાકુના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. ચરોતરમાં નીલગાયોનો વધી ગયેલ ત્રાસથી ત્રાસી ખેડૂત આગેવાનોની નીલગાયોની સંખ્યામાં કંટ્રોલ લાવવા માટે નર રોઝમાં ખસીકરણ કરવાની માંગ થવા પામી છે.