બોરીયાવીમાં રસ્તા બાબતે કૌટુંબિક પરિવારો વચ્ચે ઝઘડો : ૬ને ઈજા
ધારીયા, લાકડી, સળિયા તેમજ બેટથી માર મારતાં બેને હોસ્પીટલમાં ખસેડાયા
આણંદ નજીક આવેલા બોરીયાવી ગામની કલ્યાણ વાડી પાસે ગઈકાલે સાંજના સુમારે રસ્તા બાબતે કૌટુંબિક પરિવારના સભ્યોએ ધારીયા, લાકડી, સળિયા તેમજ બેટથી હુમલો કરીને છને માર મારીને ઈજાઓ પહોંચાડી હતી જેમાં બેને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે વડોરાની સયાજી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી ચીમનભાઈ ફુલાભાઈ રાઠોડ બોરીયાવા ગામની કલ્યાણ વાડી પાસ રહે છે. તેમની આસપાસના કૌટુંબિક ભાઈઓ અને તેમના પુત્રો રહે છે. તેમના ખેતરમાં જવા માટે કૌટુંબિક ભાઈ રાવજીભાઈ રાઠોડના ઘર પાસેથી રસ્તો છે.
ગઈકાલે સાંચના સુમારે ચીમનભાઈ પોતાના ખેતરમાં ગયા હતા દરમ્યાન તેમન ભત્રીજો રાજેશભાઈ ધારીયું લઈને આવી પહોંચ્યો હતો અને રસ્તા બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. તેનું ઉપરાળુ લઈને વિજયભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ, અલ્પેશભાઈ રાવજીભાઈ રાઠોડ, રમીલાબેન રાજેશભાઈ રાઠોડ, કોયો મહેન્દ્રભાઈ રાઠોડ, ભલાભાઈ નરસિંહભાઈ રાઠોડ તથા રાવજીભાઈ શંકરભાઈ રાઠોડ આવી પહોંચ્યા હતા અને ચીમનભાઈને માથામાં ધારીયું મારી દેતાં લોહી નીકળ્યું હતુ. તેમનો ભાઈ દિનેશભાઈ વચ્ચે પડતા તેને હાથે સળિયો મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. બુમાબુમ થતાં ચીમનભાઈનો પુત્ર નિકુલ, ભત્રીજો પ્રદિપ, ભાભી નયનાબેન તેમજ બા સીતાબેન આવી પહોંચ્યા હતા અને છોડાવવાનો પ્રયત્ન કરતા તેમને પણ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યાંથી જતા રહ્યા હતા.
ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી પહોંચ્યા હતા અને ઘવાયેલા તમામને સારવાર માટે આણંદની જનરલ હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યાં બેની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.