સામરખાના સાભોડપુરા પાસેથી રૂા.૯૯૦૦ના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
ઝાડી-ઝાંખરામાં તેમજ ખાડો ખોદીને દાટેલી વિદેશી દારૂની ૫૭ બોટલો તેમજ બીયરના છ ટીન મળ્યા
આણંદ રૂરલ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે સામરખા નજીક આવલા સાભોડપુરા સીમમાં છાપો મારીને એક શખ્સને ૯૯૦૦ રૂપિયાના વિદેશી દારૂ-બીયરના ટીન સાથે ઝડપી પાડીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે પોલીસને માહિતી મળી હતી કે, સદાનાપુરા ખાતે રહેતો સંજય ઉર્ફે કમલેશ રમેશભાઈ ચૌહાણ સાંભોડપુરા રોડ ઉપર આવેલા મુકેસભાઈ પટેલના ખેતર નજીક ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરે છે જેથી પોલીસની ટીમે છાપો મારતાં સંજય ઉર્ફે કલમેશ સ્થળ પરથી મળી આવ્યો હતો.
પોલીસે તપાસ કરતા ઝાડી-ઝાંખરામાંથી તેમજ જમીનમાં ખાડો ખોદીને દાટેલી વિદેશી દારૂની ત્રણ મોટી બોટલ, ૫૪ ક્વાર્ટરીયા તેમજ બીયરના ૬ ટીન મળી આવ્યા હતા. જેની કિંમત૯૯૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે ઉક્ત મુદ્દામાલ જપ્ત કરીને પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો પણસોરા ખાતે રહેતા તેના મિત્ર અજયભાઈ ઠાકોરે ઉત્તરસંડા ખાતે રહેતા વિકાસ દરબાર પાસેથી અપાવ્યો હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે ત્રણેય વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને અજયભાઈ અને વિકાસને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.