નાપા તળપદમાં જમીનના વિવાદમાં બે ભાઈઓના પરિવારો વચ્ચે મારામારીમાં ૫ને ઈજા
બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે આવેલી ખજુરી સીમના સર્વે નંબર ૩૯૯/૨વાલી ૪૩ ગુંઠા વડિલોપાર્જીત જમીનના ભાગને લઈને બે ભાઈઓના પરિવારો વચ્ચે મારમારી થતાં પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે બોરસદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મહેબુબમીંયા રસુલમીંયા કાજીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ખજુરી સીમમાં આવેલા સર્વે નંબર ૩૯૯/૨વાળી ૪૩ ગુંઠા જેટલી તેમની વડિલોપાર્જીત જમીન આવેલી છે જેમાં તેમના કાકા સફીમહંમદે જવા આવવાના રસ્તા બાબતે બોરસદની કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. આજે સવારના આઠેક વાગ્યાના સુમારે ટ્રેક્ટરથી ખેડ કામ કરાવતા હતા ત્યારે કાકા સફીમહંમદ મહંમદમીંયા કાજી આવી પહોંચ્યા હતા અને ફોન કરીને તેમના પુત્રો સફીમહંમદ તેમજ સોહેબમીંયાને બોલાવી લીઘા હતા. દરમ્યાન તેમણે આ જમીન અમારી છે, તમારો કોઈ હક્ક દાવો નથી. તમારે આ જમીન ખેડવાની નથી તેમ જણાવીને ઝઘડો કર્યો હતો અને પોતાની પાસેની લાકડી રસુલમીંયાને ડાબા હાથે મારી દીધી હતી. અનસમીંયાએ દાંતી મારવા જતા મહેબુબમીંયા ખસી જતા દાંતીનો હાથો વાગ્યો હતો. ત્યારબાદ ત્રણેયે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સામા પક્ષે અનસમીંયાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, રસુલમીંયા મહંમદમીંયા કાજી અને મહેબુબમીંયા તેમજ ઈસ્માઈલમીંયા ખેતર ખેડતા હોય તેમને અમારી બાજુથી તમારે જવાનો રસ્તો નથી તેમ કહેતા જ મહેબુબમીંયાએ આ જમીન અમારા ભાગની છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને વાંસનો ડંડો લઈને અનસમીંયાને જમણા હાથે મારી દીધો હતો જ્યારે બીજા બેએ પણ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.